ન્યૂયોર્કઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ચેતવણી આપતા કહ્યુ કે, જો તે જાણીજોઇને કોરોના વાયરસ ફેલાવવા બદલ જવાબદાર ઠેરવાશે તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. ટ્રમ્પે કોવિડ-19ને લઇને ચીનના રહસ્યમય અંદાજ, આ બીમારી સાથે જોડાયેલા તથ્યોની પારદર્શિતામાં ઘટાડો અને પ્રારંભિક તબક્કામાં અમેરિકા સાથે અસહયોગનું વલણથી નિરાશા વ્યક્ત કરી છે.


વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે કહ્યુ કે- જો ચીન જાણી જોઇને કોરોના ફેલાવવા બદલ જવાબદાર ઠરશે તો તેને પરિણામ ભોગવવા તૈયાર રહેવું જોઇએ. જ્યાં સુધી કોરોના દુનિયામાં ફેલાયો તે અગાઉ ચીન સાથે તેના સારા સંબંધો હતા. આ અગાઉ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે, તેમને ચીનમાં કોરોનાના કારણે થયેલા મોતના આંકડા પર વિશ્વાસ નથી. ચીનમાં અમેરિકા કરતા વધુ મોત થયા છે.

ટ્રમ્પે આ નિવેદન ત્યારે આપ્યુ હતું જ્યારે ચીને કોરોના વાયરસના કેન્દ્ર રહેલા વુહાનમાં મોતની સંખ્યામાં અચાનક 50 ટકાનો વધારો કરી દીધો. ચીન સાથે વ્યાપાર કરારોને યાદ કરતા ટ્રમ્પે કહ્યું કે, જ્યારે અમે કરાર કરી રહ્યા હતા ત્યારે સંબંધો સારા હતા પરંતુ અચાનક આ અંગે સાંભળો છો એટલા માટે મોટું અંતર છે.