Turkey Earthquake : કાળી પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલી લાશોના ઢગલા, ટેબલ પર તેમના સ્વજનોના મૃતદેહોને રાખી અંતિમ સંસ્કારની પ્રાર્થના કરતા લોકો અને કડકડતી ઠંડીમાં જેસીબીની મદદથી કબરો ખોદી રહેલા કામદારો... આ દ્રશ્ય છે તુર્કીના કહરમનમારસ શહેરનું. તુર્કીમાં આવેલા ભૂકંપે અહીં એવી તબાહી મચાવી છે કે દરેક જગ્યાએ મૃતદેહોના ઢગલા ખડકાયા છે. આ મૃતદેહોને દફનાવવા માટે અહીં જંગલનો એક ભાગ કાપીને સામૂહિક કબ્રસ્તાન બનાવવામાં આવ્યું હતું.
ભયાવહ લોકો ભૂકંપ બાદ તેમના ગુમ થયેલા સ્વજનોને શોધવા માટે કબ્રસ્તાનમાં આવી રહ્યા છે અને આ મૃતદેહો વચ્ચે તેમને શોધી રહ્યા છે. આ શહેરમાં ખંડેર ઈમારતોનો કાટમાળ હટાવ્યા બાદ જે મૃતદેહો મળી રહ્યા છે તે તમામ મૃતદેહોને આ કબ્રસ્તાન પાસે જ લાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 5 હજાર મૃતદેહોને ઓળખ બાદ દફનાવવામાં આવ્યા છે.
સ્વજનોની શોધમાં લોકો આવવાની પ્રક્રિયા ચાલી રહી છે. લોકો અહીં આવે છે અને કાળા પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરેલા મૃતદેહોને ઓળખે છે. જે લોકો પોતાના સ્વજનોની ઓળ્ખ કરે છે ત્યાર બાદ તેઓ તેમના સંબંધીઓ માટે કબરની વ્યવસ્થા કરવાના હેતુથી અહીં-ત્યાં દોડવા લાગે છે. ખરેખર અહીં આટલી મોટી સંખ્યામાં મૃતદેહો આવવાની પ્રક્રિયા ચાલી રહી છે કે જંગલ કાપીને સામૂહિક કબ્રસ્તાન બનાવવામાં આવ્યા છે. તેમ છતા પણ લોકોને કબરો માટે માથાકુટ કરવી પડી રહી છે.
નવું કબ્રસ્તાન બનાવવા માટે સરકારે મોટા જેસીબી મશીનો લગાવ્યા છે, જે દિવસ-રાત જંગલ સાફ કરવા અને માટી ખોદવાના કામમાં લાગેલા છે. દર મિનિટે એમ્બ્યુલન્સનો ક્રમ અહીં ચાલુ રહે છે જે દરેક વખતે એક સાથે એક ડઝન મૃતદેહો લાવે છે. અહીં હાજર લોકો જણાવે છે કે, કબરો બનાવવા માટે ન તો પથ્થર છે કે ન તો અન્ય જરૂરી વસ્તુઓ છે. લાકડાના નાના ટુકડા પર કાળી સ્કેચ પેનની મદદથી તે સંબંધીઓની કબરોના નામ અને સંખ્યાઓ નોંધી રહ્યો છે.
તુર્કીશ શહેર કહરામનમારસ એ ભૂમધ્ય પ્રદેશમાં આવેલું મહત્વનું શહેરમાં આ ભયાનક સ્થિતિ સર્જાઈ છે. તે કહરામનમારસ પ્રાંતનું વહીવટી કેન્દ્ર પણ છે. 1973 પહેલા તે સત્તાવાર રીતે મારસ તરીકે ઓળખાતું હતું, પરંતુ પાછળથી તેમાં કહરામન શબ્દ ઉમેરવામાં આવ્યો જેનો અર્થ ફારસીમાં હીરો થાય છે.
ભૂકંપના કારણે તુર્કી અને સીરિયામાં અત્યાર સુધીમાં 34 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતદેહોને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલુ છે. આવી અનેક ઈમારતો છે જે ધરાશાયી થયા બાદ જેનો કાટમાળ આજ સુધી હટાવવામાં આવ્યો નથી. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પરંતુ તમામ ઈમારતોનો કાટમાળ હટાવવામાં હજુ થોડા દિવસો લાગી શકે છે. એટલા માટે એવું માનવામાં આવે છે કે મૃત્યુઆંક વધુ હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, 6 ફેબ્રુઆરીએ તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પહેલો આંચકો સવારે 4.17 વાગ્યે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 મેગ્નિટ્યુડ હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કીમાં ગાઝિયાંટેપ હતું.