PMO Meeting On Turkiye Earthquake: તુર્કી ભયંકર ભૂકંપનો શિકાર બન્યું છે. તુર્કીમાં અત્યાર સુધીમાં તુર્કીમાં 1600થી પણ વધુ લોકોના મોત નિપજ્યા છે અને આ આંકડો હજી પણ વધે તેવી શક્યતા છે. તુર્કીમાં અનેક ઈમારતો પણ જમીન દોસ્ત બની છે. સામાન્ય રીતે તુર્કી પાકિસ્તાનના પક્ષમાં જઈને કાશ્મીર, 370 સહિતના મુદ્દે ભારત વિરોધી વલણ અખત્યાર કરતું રહે છે. થોડા સમય પહેલા પણ ભારતના ઘઉં મંગાવીને તેને પોર્ટ પરથી જ પાછા મોકલી આપ્યા હતાં. તુર્કી ભારતનો સામનો કરવા પાકિસ્તાનને સબમરિન, યુદ્ધ જહાજ સહિતના ઘાતક હથિયારો પણ આપતુ રહે છે. પરંતુ ભારતે ફરી એકવાર વસુધૈવ કુટુંમ્બકમની ધારણાને ફરી એકવાર સાચી ઠેરવી છે અને દુશ્મનાવટ ભુલી મદદનો હાથ લંબાવ્યો છે. 


ભયંકર ભૂકંપનો સામનો કરી રહેલા તુર્કી માટે ભારતે સહાય મિશનની તૈયારી શરૂ કરી લીધી છે. ભારત તરફથી NDRFની બે ટીમો મોકલવામાં આવી રહી છે. આ સાથે દવાઓ અને રાહત સામગ્રી પણ મોકલવામાં આવી રહ્યો છે. રાહત સામગ્રીને લઈને PMOમાં સોમવારે (6 ફેબ્રુઆરી) એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ આપત્તિમાં ભારત તરફથી શક્ય તમામ મદદની જાહેરાત કરાયા બાદ વડાપ્રધાનના મુખ્ય સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ સાઉથ બ્લોકમાં તાત્કાલિક રાહત પગલાં અંગે ચર્ચા કરવા બેઠક યોજી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે NDRF, સર્ચ અને રેસ્ક્યૂ ટીમો તેમજ મેડિકલ ટીમને રાહત સામગ્રી સાથે તાત્કાલિક તુર્કી પ્રજાસત્તાક મોકલવામાં આવશે.


ભારતે દુશ્મની ભુલી તુર્કી સામે લંબાવ્યો મદદનો હાથ
 
ભારતમાંથી મોકલવામાં આવી રહેલી ટીમમાં ખાસ પ્રશિક્ષિત ડોગ સ્ક્વોડ અને જરૂરી સાધનો સાથે 100 કર્મચારીઓની બે NDRF ટીમો ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં શોધ અને બચાવ કામગીરી માટે જવા માટે તૈયાર છે. જરૂરી દવાઓ, પ્રશિક્ષિત ડોકટરો અને પેરામેડિક્સ સાથે તબીબી ટીમો પણ તૈયાર કરવામાં આવી રહી છે.


આ લોકોએ PMOની બેઠકમાં આપી હાજરી


તુર્કી સરકાર અને અંકારામાં ભારતીય દૂતાવાસ અને ઈસ્તાંબુલમાં ભારતના કોન્સ્યુલેટ જનરલના સંકલનમાં ભારતીય તરફથી રાહત સામગ્રી મોકલવામાં આવશે. પીએમઓની બેઠકમાં કેબિનેટ સચિવ, ગૃહ મંત્રાલય, એનડીએમએ, એનડીઆરએફ, સંરક્ષણ, વિદેશ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન અને આરોગ્ય અને પરિવાર કલ્યાણના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.


ભૂકંપમાં 500થી વધુ લોકોના થયા મોત
 
આજે સોમવારે સવારે 7.8-તીવ્રતાનો ઘાતક ભુકંપે તુર્કીને હચમચાવી નાખ્યું હતું. જેમાં આસપાસના વિસ્તારોમાં તેમજ સીરિયામાં 500થી વધુ લોકો માર્યા ગયા હતા. માધ્યમોમાં જણાવ્યા અનુસાર તુર્કીમાં ઓછામાં ઓછા 1600થી પણ વધુ લોકોના મોત થયા છે અને લગભગ 2,300 લોકો ઘાયલ થયા છે. તુર્કીના 10 શહેરોમાં 1,700 થી વધુ ઇમારતોને નુકસાન થયું હોવાના પણ અહેવાલ છે.