Turkey-Syria Earthquake Updates: તુર્કીયે અને સીરિયાની ધરતી ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી હતી. તુર્કીયેમાં સોમવારે (20 ફેબ્રુઆરી) 14 દિવસ બાદ ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપમાં 3 લોકોના મોત થયા છે. 200થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી છે. અનાદોલુ એજન્સીએ તુર્કીયેના ગૃહ પ્રધાન સુલેમાન સોયલુને ટાંકીને જણાવ્યું હતું કે તુર્કીયેના દક્ષિણી પ્રાંતમાં ભૂકંપના બે આંચકા આવતા ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા હતા અને 213 અન્ય ઘાયલ થયા હતા.
ફરી એકવાર આવેલા ભૂકંપમાં કેટલીક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. 14 દિવસ પહેલા જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે ઘણી ઈમારતોમાં તિરાડો પડી ગઈ હતી. ત્યારબાદ તેને જોખમી જાહેર કરવામાં આવી હતી અને રહેવાસીઓને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા હતા. તુર્કીયેના ગૃહ મંત્રીએ જણાવ્યું કે ભૂકંપમાં ત્રણ લોકોના મોત થયા છે અને 213 લોકો ઘાયલ થયા છે.તુર્કીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું કે અગાઉના ભૂકંપથી ક્ષતિગ્રસ્ત થયેલી ઘણી ઇમારતોને વધુ નુકસાન થયું છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ 6 ફેબ્રુઆરીની સવારે તુર્કીયેમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો પહેલો આંચકો સવારે 4.17 કલાકે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 મેગ્નિટ્યુડ હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કીયેમાં ગાઝિયાંટેપ હતું. તેના થોડા સમય બાદ બીજો ભૂકંપ આવ્યો, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 મેગ્નિટ્યુડ હતી. આ પછી 6.5ની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ આંચકાથી સૌથી વધુ તબાહી થઈ છે. બરાબર દોઢ કલાક બાદ સાંજે 5.30 કલાકે ભૂકંપનો પાંચમો આંચકો આવ્યો હતો.
તુર્કીયેને ભારત તરફથી પણ મોટી મદદ મળી
તુર્કીયેમાં ઘણા દિવસો સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને સતત મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. આ બચાવ અભિયાનમાં ભારતે તુર્કીયેની ઘણી મદદ કરી હતી. NDRFની ઘણી ટીમો મોકલવામાં આવી હતી, રાહત સામગ્રી પણ સતત પહોંચાડવામાં આવી હતી. ભારતીય સેનાએ તુર્કીયેમાં પોતાની હોસ્પિટલ પણ બનાવી હતી જ્યાં ઘાયલોને સારવાર મળી હતી. કેટલાક અન્ય દેશોએ પણ તેમના તરફથી તુર્કીયેને મદદ મોકલી હતી. ભારતની છેલ્લી NDRF ટીમ રવિવારે જ દેશ પરત ફરી છે. PM મોદીએ સોમવારે NDRFની તમામ ટીમોને મળીને પ્રોત્સાહિત કર્યા હતા.