Turkey earthquake: તુર્કીમાં 7.8-ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે તુર્કી અને સીરિયામાં ચારેકોર વિનાશ વેર્યો છે. તુર્કી અને સીરિયામાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજી આ મૃતાંક કુદકે ને ભુસકે વધી રહ્યો છે. શક્તિશાળી ભૂકંપ બાદ એક પછી એક આવી રહેલા આફ્ટરશોક્સે બંને દેશોની મુશ્કેલીઓ વધી રહી છે. ગઈ કાલે સોમવારે વહેલી સવારે આવેલા ભૂકંપ બાદ અત્યાર સુધીમાં 148 જેટલા શક્તિશાળી આફ્ટરશોક્સ આવ્યા હતા.
અધિકારીઓ બચાવ અને રાહત કામગીરીમાં સંઘર્ષ કરી રહ્યા છે. પરંતુ એક તરફ આકરી ઠંડી પડી રહી છે અને બીજી બાજુ આફ્ટરશોક્સ બચાવ કામગીરીમાં અડચણ ઉભી કરી રહ્યાં છે. સોમવારની સવારે જ્યારે મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા ત્યારે આંચકા અનુભતા દેશમાં હાહાકાર મચી ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે, વિનાશકારી ઘટનાના પાયમાલીના ત્રણ દિવસ પહેલા જ એક વ્યક્તિએ સ્પષ્ટપણે ભૂકંપની આગાહી કરી હતી.
ફ્રેન્ક હોગરબીટ્સે કરી હતી આગાહી
ડચ સંશોધક ફ્રેન્ક હોગરબીટ્સે 3 ફેબ્રુઆરીના રોજ એક ટ્વીટમાં ચેતવણી આપી હતી કે, વહેલા કે મોડા આ પ્રદેશમાં (દક્ષિણ-મધ્ય તુર્કી, જોર્ડન, સીરિયા, લેબનોન) ~M 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવશે. તેમની આ આગાહીને તો 72 કલાક માંડ થયા હતાં ને રીતરસનો શક્તિશાળી ભૂકંપ આવ્યો પણ ખરો. તેમાં પણ વધુ એક આશ્ચર્યની વાત એ છે કે, ફ્રેન્ક હોગરબીટ્સે 7.5 ની તિવ્રતાના ભૂકંપની શક્યતા વ્યક્ત કરી હતી અને તુર્કી-સીરિયામાં જે ભૂકંપ આવ્યો તેની તિવ્રતા પણ એકદમ એટલી જ હતી. જેથી સૌકોઈ આશ્ચર્ય પામી ગયા છે.
કોણ છે ફ્રેન્ક હોગરબીટ્સ?
ટ્વિટર પર ફ્રેન્ક હોગરબીટ્સનો બાયોમાં જાણવા મળે છે કે, તેઓ નેધરલેન્ડ્સમાં સોલર સિસ્ટમ જિયોમેટ્રી સર્વે (SSGS)નામની સંસ્થા માટે કામ કરે છે. હોગરબીટ્સે SSGS દ્વારા એક ટ્વીટને પણ રીટ્વીટ કર્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે, 4 ફેબ્રુઆરી અને 6 ફેબ્રુઆરી વચ્ચે મોટાભાગે મધ્યમ અથવા ઉચ્ચ એવી 6ની તીવ્રતા સુધીની ધરતીકંપની પ્રવૃત્તિ થઈ શકે છે. સોમવારના વિનાશક ભૂકંપ બાદ તેમનું ભવિષ્યવાણીનું ટ્વિટ વાયરલ થયું છે. નેટીઝન્સ આ હદની ચોકસાઈથી ચોંકી ગયા હતા કે જેની સાથે તેમણે કુદરતી આપત્તિની આગાહી કરી હતી જેણે હજારો લોકો માર્યા ગયા હતા, અને દક્ષિણપૂર્વ તુર્કીમાં એક વિશાળ અને મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જ ધરાશાયી કરી નાખ્યું હતું.
તબાહી બાદ કરવામાં આવી હતી આ ટ્વીટ
ફ્રેન્ક હોગરબિટ્સે પાછળથી ટ્વીટ કર્યું હતું કે- મધ્ય તુર્કીમાં આવેલા મોટા ભૂકંપથી પ્રભાવિત દરેક વ્યક્તિ પ્રત્યે મારી સંવેદના. મેં અગાઉ કહ્યું હતું તેમ, વહેલા કે મોડા આ પ્રદેશમાં આવું થશે જ. આ ધરતીકંપ હંમેશા પૂર્વમાં થાય છે. ક્રિટિકલ પ્લેનેટરી જિયોમેટ્રી, જેમ કે અમે ફેબ્રુઆરી 4-5ના રોજ કર્યું છે. ફ્રેન્ક હોગરબીટ્સે સોમવારના ભૂકંપ બાદ આફ્ટરશોક્સની પણ ચેતવણી આપી હતી. તેમને ટ્વિટ કરીને કહ્યું હતું કે - મધ્ય તુર્કી અને તેની આસપાસના વિસ્તારોમાં વધારાની-શક્તિશાળી ધરતીકંપની ગતિવિધિઓઅ પર નજર રાખો. શક્તિશાળી ભૂકંપ બાદ આફ્ટરશોક્સ સામાન્ય રીતે થોડા સમય માટે યથાગત જ રહે છે.
આફ્ટરશોક્સની પણ આગાહી કરવામાં આવેલી
ભૂકંપ બાદ ડઝનેક આફ્ટરશોક્સ આવ્યા. આ આફ્ટરશોક્સમાંથી એક તો પ્રારંભિક ભૂકંપના લગભગ નવ કલાક પછી આવેવ્યો હતો જે લગભગ પહેલા જેટલો જ શક્તિશાળી હતો અને તેની તીવ્રતા 7.5 હતી. યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે, સોમવારનો પહેલો ભૂકંપ સવારે 4:17 વાગ્યે (0117 GMT)તુર્કીના શહેર ગાઝિયાંટેપ નજીક લગભગ 18 કિલોમીટર (11 માઇલ) ની ઊંડાઈએ આવ્યો હતો. જ્યાં 20 લાખ લોકો રહે છે. તુર્કીમાં રહેવાસીઓથી ભરેલી હજારો બહુમાળી એપાર્ટમેન્ટ ઇમારતો જોત જોતામાં તો કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. જ્યારે સીરિયાએ ડઝનેક ઈમારતો ધરાશાયી થવાની તેમજ એલેપ્પોમાં પુરાતત્વીય સ્થળોને નુકસાન થયુ હોવાની જાણકારી આપી હતી.
ભૂકંપની આગાહી કરી શકાય?
ધરતીકંપની આગાહીઓનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી તેવા દાવાના જવાબમાં ડચ સંશોધકે ટ્વીટ કર્યું હતું કે- હા, ગ્રહો અને ચંદ્રના પ્રભાવને લઈને વૈજ્ઞાનિક સમુદાયમાં પણ ઘણો વિરોધાભાસ છે. પરંતુ એવું કોઈ વિસ્તૃત સંશોધન નથી કે, જે તેને નિષ્ક્રિય બનાવે. આ માત્ર એક ધારણા છે.
ભૂકંપની આગાહીનો કોઈ વૈજ્ઞાનિક આધાર ના હોવાના દાવાના જવાબમાં ફ્રેન્ક હોગરબીટ્સે આ દાવાના જવાબમાં ટ્વીટ કર્યુંહતું તેમણે નોંધ્યું હતું કે, ધરતીકંપ હંમેશા સક્રિય ખામીવાળા સ્થળોએ થવાની સંભાવના છે, પરંતુ જ્યારે પરીક્ષણ કરવામાં આવે ત્યારે ચોક્કસ આગાહીઓ રેન્ડમ કરતાં વધુ સારી કામગીરી નથી બજાવી શકતી. સહસંબંધિત ગ્રહોની ગોઠવણીના દાવાઓ ખોટા સાબિત થયા છે.
ભારતે તુર્કીને મોકલી રાહત
દરમિયાન, મંગળવારે એનડીઆરએફની શોધ અને બચાવ ટીમ સાથે રાહત સામગ્રીનો પ્રથમ ટુકડી ભૂકંપગ્રસ્ત દેશ જવા રવાના થઈ હતી. વિદેશ મંત્રાલય (EAM)ના પ્રવક્તા અરિંદમ બાગચીએ તુર્કી જતી ટીમની તસવીરો અને વીડિયો શેર કર્યા અને કહ્યું હતું કે, તુર્કીની મદદ માટે ખાસ પ્રશિક્ષિત ડોગ સ્ક્વોડ, મેડિકલ સપ્લાય, ડ્રિલિંગ મશીન અને અન્ય જરૂરી સાધનો મોકલવામાં આવ્યા છે. ત્રણ જોરદાર ધરતીકંપોએ દેશને હચમચાવી નાખ્યો.