Turkiye Earthquake: શક્તિશાળી ભૂકંપે તુર્કી અને સીરિયાને રીતસરના ધમરોળી નાખ્યા છે. બંને દેશોમાં મળીને 5000થી પણ વધારે લોકો માર્યા ગયા છે જ્યારે અસંખ્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. અનેક શહેરોને વિસ્તારો કાટમાળમાં ફેરવાયા છે. છેલ્લા 24 કલાકમાં જ મધ્ય પૂર્વના દેશ તુર્કી-સીરિયામાં કુલ 145થી વધુ ભૂકંપના આફ્ટરશોકે તબાહી મચાવી છે. 7.1ની તીવ્રતાના ભૂકંપથી બંને દેશોમાં ઉભી ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ભારતે દુશ્મની ભૂલીને તત્કાળ તુર્કીની મદદ માટે હાથ લંબાવ્યો અને તમામ પ્રકારની મદદનું આશ્વાસન આપ્યું છે.
ભૂકંપની દુર્ઘટના બાદ તરત જ પીએમ મોદીએ તેમના રાજ્ય વિદેશ મંત્રીને તેમના શોક સંદેશ સાથે દિલ્હીમાં તુર્કી દૂતાવાસે મોકલ્યા હતાં. રાજ્યના વિદેશ મંત્રી વી મુરલીધરન ભારતમાં તુર્કીના રાજદૂત ફિરત સુનેલને મળ્યા હતા અને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી અને તમામ પ્રકારની માનવતાવાદી સહાયનું વચન પણ આપ્યું હતું.
ભારતના વિદેશ રાજ્ય મંત્રીની આ મુલાકાત બાદ ફિરત સુનેલે ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, તુર્કી અને હિન્દીમાં મિત્ર એ મિત્રતા માટે વપરાતો સામાન્ય શબ્દ છે. તેમણે કહ્યું હતું કે, આપણા તુર્કીમાં એક કહેવત છે કે, જે મિત્ર જરૂરિયાતના સમયમાં ઉપયોગી થાય તે જ સાચો મિત્ર.
ભૂકંપથી બરબાદ થયું તુર્કી
તુર્કીમાં આવેલા ભૂકંપમાં 14,000 લોકો માર્યા ગયા હોવાનો અંદાજ છે. એપીના અહેવાલ મુજબ, ભૂકંપ અને ત્યાર બાદ આવેલા સંખ્યાબંધ આફ્ટરશોક્સના કારણે કુલ 5600થી વધુ ઈમારતો ધરાશાયી થઈ જવાનો અંદાજ છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક ધીરે ધીરે વધી રહ્યો છે, હજી સુધી ઘાયલોની સંખ્યાની પુષ્ટિ થઈ નથી.
પોતાની ભૌગોલિક સ્થિતિને કારણે તુર્કી એ વિશ્વના સૌથી સક્રિય ભૂકંપ ઝોનમાંનું એક છે. તુર્કી મુખ્યત્વે એનાટોલીયન ટેકટોનિક પ્લેટ પર સ્થિત છે. આ પ્લેટો ઘણીવાર એકબીજા સાથે અથડાય છે. વધારે દબાણને કારણે ઘણી વખત આ પ્લેટો પણ તૂટવા લાગે છે. આ દરમિયાન બહાર નીકળેલી ઊર્જાનો વિશાળ જથ્થો બહાર નીકળવાનો રસ્તો શોધવા લાગે છે. આ વિક્ષેપ ભૂકંપ જેવી સ્થિતિ સર્જે છે.
ઉલ્લેખનીય છે કે, ભારતે ફરી એકવાર વસુધૈવ કુટુંમ્બકમની ધારણાને ફરી એકવાર સાચી ઠેરવી છે અને દુશ્મનાવટ ભુલી મદદનો હાથ લંબાવ્યો છે. ભયંકર ભૂકંપનો સામનો કરી રહેલા તુર્કી માટે ભારતે સહાય મિશનની તૈયારી શરૂ કરી લીધી છે. ભારત તરફથી NDRFની બે ટીમો મોકલવામાં આવી હતી. આ સાથે દવાઓ અને રાહત સામગ્રી પણ મોકલવામાં આવી રહ્યો છે. રાહત સામગ્રીને લઈને PMOમાં સોમવારે (6 ફેબ્રુઆરી) એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ આપત્તિમાં ભારત તરફથી શક્ય તમામ મદદની જાહેરાત કરાયા બાદ વડાપ્રધાનના મુખ્ય સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ સાઉથ બ્લોકમાં તાત્કાલિક રાહત પગલાં અંગે ચર્ચા કરવા બેઠક યોજી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે NDRF, સર્ચ અને રેસ્ક્યૂ ટીમો તેમજ મેડિકલ ટીમને રાહત સામગ્રી સાથે તાત્કાલિક તુર્કી પ્રજાસત્તાક મોકલવામાં આવશે.