દારૂના નશામાં માણસ ન કરવાનું કરતો હોય છે. તુર્કીના નેગલ શહેરમાં એક નશામાં ધૂત વ્યક્તિએ એવું કામ કર્યું કે જાણીને હસીને તમારા પેટમાં દુ: ખાવો થઈ જશે. નશામાં ધૂત વ્યક્તિએ પોલીસને કલાકો સુધી પરેશાન કરી અને પોલીસને ખ્યાલ પણ નહોતો કે તેની સાથે શું થઈ રહ્યું છે. આ માણસ કલાકો સુધી પોલીસ સાથે પોતાની શોધ કરતો રહ્યો.
પતિનો ફોન ન લાગતા પત્નીએ પોલીસને કરી જાણ
તુર્કીના ઉત્તર-પશ્ચિમ પ્રાંત બર્સાના ઈનગોલ શહેરમાં રહેતો બેહાન મટલૂ નામનો વ્યક્તિ જંગલમાં મિત્રો સાથે શરાબ પીતો હતો. આ દરમિયાન તે જંગલમાં ભૂલો પડ્યો. આ શખ્સની પત્ની તેનો સંપર્ક કરવાની કોશિશ કરતી હતી પરંતુ ફોન લાગતો નહોતો. થોડા કલાક બાદ તેની પત્નીએ પોલીસને જાણ કરી. જે બાદ પોલીસ તે વ્યક્તિને શોધવા લાગી.
પોલીસે જંગલમાં જઈ શરૂ કર્યું સર્ચ અભિયાન
આ વ્યક્તિની શોધ કરતી વખતે પોલીસ જંગલમાં પહોંચી. આ દરમિયાન બચાવકર્મીને કેટલાક લોકોનું એક ગ્રુપ મળ્યું. પોલીસે આ ગ્રુપમાં સામેલ લોકોની પૂછપરછ કરી. આ દરમિયાન આ ગ્રુપ પણ પોલીસની સાથે લાપતા વ્યક્તિની શોધમાં લાગી ગયું. આશ્ચર્યની વાત એ છે કે પોલીસ જ્યારે આ વ્યક્તિને શોધતી હતી ત્યારે તે પણ આ ગ્રુપમાં સામેલ હતો અને ખુદને જ શોધતો હતો. પરંતુ હકીકતથી અજાણ પોલીસ હતી અને નશામાં ધુત વ્યક્તિને પણ ખબર નહોતી કે પોલીસ તેને જ શોધી રહી છે.
પોલીસે બુમ પાડીને પાસેથી જ અવાજ આવ્યો- હું અહીં છું
પોલીસે બેહામ મટલૂને શોધતી વખતે જેવી તેના નામની બૂમ પાડી કે બચાવકર્મીની સાથે ચાલી રહેલા શખ્સે કહ્યું હું અહીંયા છું. જે બાદ બધા ચોંકી ગયા. પોલીસકર્મી એકબીજાની સામે જોવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આટલીવારથી તે શું કરતો હતો. પરંતુ જયારે ખબર પડી કે નશામાં હતો ત્યારે પોલીસ અને બચાવકર્મી પણ હસી પડ્યા હતા.