દુબઇમાં ભારે વરસાદ અને તોફાનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. પૂરના કારણે દુબઇમાં લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. વરસાદના કારણે રેકોર્ડ ફ્લાઇટને રદ કરવામાં આવી છે અથવા ડાયવર્ટ કરવામાં આવી છે. રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. મુસાફરોને ચેતવણી આપવામાં આવી છે કે "જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી દુબઈ એરપોર્ટ આવવુ જોઇએ નહીં.






દુબઈ એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "ફ્લાઇટ્સમાં વિલંબ અને તેને ડાયવર્ટ કરવામાં આવી રહી છે. અમે ખૂબ જ પડકારજનક પરિસ્થિતિઓમાં શક્ય તેટલી ઝડપથી કામગીરી ફરીથી શરૂ થાય તે માટે સખત મહેનત કરી રહ્યા છીએ." એક રિપોર્ટ અનુસાર, દુબઇ એરપોર્ટ પર લગભગ 500થી ફ્લાઇટ રદ કરવામાં આવી છે અથવા ડાયવર્ટ કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.


ભારતની લગભગ 28 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. દુબઈની ફ્લેગશિપ અમીરાત એરલાઈને જણાવ્યું હતું કે તે દિવસ માટે મુસાફરો માટે તમામ ચેક-ઈન અટકાવી રહી છે કારણ કે દુબઈમાં ખરાબ હવામાનને કારણે મુસાફરીમાં અરાજકતા સર્જાઈ છે. એરલાઈને નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમીરાત અમારી સુનિશ્ચિત કામગીરીને ફરીથી શરૂ કરવા માટે સખત મહેનત કરી રહી છે, અને અમારી ટીમો અસરગ્રસ્ત મુસાફરોને તમામ સંભવિત સહાય પૂરી પાડશે."


શોપિંગ સેન્ટર દુબઈ મોલ અને મોલ ઓફ અમીરાત બંનેને પૂરના કારણે નુકસાન થયું છે. મેટ્રો સ્ટેશનો પર પણ ઘૂંટણ સુધી પાણી ભરાઇ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે મેટ્રો ટ્રેન હાલમાં ચોક્કસ રૂટ પર કાર્યરત છે. આ વાવાઝોડાની અસર દુબઈની બહાર વિસ્તારોને પણ થઇ છે. સમગ્ર UAE અને બહેરીનમાં પૂર અને અરાજકતાના સમાન દ્રશ્યો જોવા મળી રહ્યા છે.


ભારે પવન સાથે વરસાદના કારણે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. સત્તાવાળાઓએ સરકારી કર્મચારીઓ માટે રિમોટ વર્કિંગ વ્યવસ્થા શરૂ કરી છે. તોફાન અને વરસાદના કારણે યુએઇ અને બહેરીનમાં લગભગ 18 લોકો માર્યા ગયા હતા.સત્તાવાર મીડિયાએ જણાવ્યું હતું કે યુએઈમાં 1949માં બાદ આ સૌથી વધુ વરસાદ પડ્યો હતો.