Hindu Temple in Dubai: દુબઈમાં રહેતા હિન્દુ સમાજના લોકોને મોટી ભેટ મળી છે. આજે દશેરાના તહેવાર નિમિત્તે દુબઈમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ હિન્દુ મંદિરને બનાવવામાં ઘણા વર્ષો લાગ્યા છે. ખલીજ ટાઈમ્સના અહેવાલ મુજબ, આ મંદિર સિંધુ ગુરુ દરબાર મંદિરનું વિસ્તરણ છે જે દુબઈનું સૌથી જૂનું મંદિર છે.


આજે દશેરાના દિવસે UAEના સહિષ્ણુતા મંત્રી (Minister of Tolerance) HH શેખ નાહયાન બિન મુબારક અલ નાહ્યાને આજે દુબઈના અદભૂત અને નવા હિન્દુ મંદિર (મંદિર)નું ઉદ્ઘાટન કર્યું હતું. તસવીરોમાં જોઈ શકાય છે કે, આ મંદિરને ખુબ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે અને મંદિરની છત પર ઘણા બધા ઘંટ પણ લગાવામાં આવ્યા છે.






આ મંદિરનો શિલાન્યાસ વર્ષ 2020માં જ કરવામાં આવ્યો હતો. આ મંદિરના નિર્માણ સાથે દુબઈમાં રહેતા હિન્દુ સમાજના લોકોનું સપનું પૂર્ણ થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજે દશેરાના શુભ દિવસથી જ આ મંદિરમાં સામાન્ય લોકોને પ્રવેશ આપવામાં આવવાનું શરુ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં 16 દેવતાઓની મૂર્તિઓ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ મંદિરમાં હિન્દુ ધર્મ સિવાય કોઈપણ જાતિના લોકો પ્રવેશ કરી શકશે.


છત પર ઘણા ઘંટ લગાવવામાં આવ્યા છે


તમને જણાવી દઈએ કે, અનૌપચારિક રીતે આ મંદિર 1 સપ્ટેમ્બરના રોજ ખોલવામાં આવ્યું હતું. તે દિવસથી લઈને આજ સુધી હજારો લોકોએ મંદિરની ડિઝાઈનથી લઈને તેની ભવ્યતા જોઈ છે. આ મંદિર બનાવવા માટે સફેદ આરસપહાણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરની છત પર ઘણા ઘંટ લગાવવામાં આવ્યા છે અને આ મંદિર સંપૂર્ણપણે હિંદુ ભૌમિતિક ડિઝાઇન સાથે બનાવવામાં આવ્યું છે.


મંદિરમાં દર્શનનો સમયઃ


મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મંદિરમાં પ્રવેશતા પહેલા બુકિંગ કરાવવું જરૂરી છે. પ્રવેશ માટે QR કોડ આધારિત બુકિંગ સિસ્ટમ બનાવવામાં આવી છે. આ સાથે જ વેબસાઇટ દ્વારા બુકિંગનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. મંદિરમાં પ્રવેશવાનો સમય સવારે 6 થી સાંજે 8 રાખવામાં આવ્યો છે.