નવી દિલ્હીઃ ક્રિકેટ ફિક્સિંગના આરોપી સંજીવ ચાવલાના કેસમાં બ્રિટનની એક અદાલતે તિહાડ જેલને સુરક્ષિત પરિસર જાહેર કરી હતી. બ્રિટનની આ કોર્ટનો ચુકાદો બેન્કોના કરોડો રૂપિયા લઇને ભાગી ગયેલા વિજય માલ્યાના પ્રત્યાર્પણ કેસમાં મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. કોર્ટે જણાવ્યું હતું કે, તિહાડ જેલ સુરક્ષિત છે અને તેમાં સંજીવ ચાવલાનું પ્રત્યાર્પણ કરી શકાય છે.
લંડન હાઇકોર્ટના જસ્ટિસ લેગાટ અને જસ્ટિસ ડિંગેમેન્સે શુક્રવારે પોતાના ચુકાદામાં કહ્યું કે, તિહાડમાં ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક સંજીવ ચાવલાને કોઇ ખતરો નથી. સંજીવ ચાવલા પર ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચોની ફિક્સિંગ કરવાનો આરોપ છે. આ હેન્સી ક્રોન્યે મેચ ફિક્સિંગનો મામલો છે જેમાં ભારતીય ક્રિકેટરો અજય જાડેજા અને મોહમ્મદ અઝહરુદ્દીન પર પણ આરોપ લાગ્યા હતા.
ભારત તરફથી ચાવલાની સારવારનો વિશ્વાસ અપાવ્યા બાદ લંડન હાઇકોર્ટે આ વાત કહી હતી. લંડન કોર્ટના ચુકાદાની અસર વિજય માલ્યા કેસ પર પણ થઇ શકે છે. તેનું કારણ એ છે કે માલ્યા ભારતીય જેલો અસુરક્ષિત છે તેવું બહાનું બતાવતો રહ્યો છે એવામાં બ્રિટિશ કોર્ટનો આ ચુકાદો તેના પ્રત્યાર્પણનો રસ્તો સરળ બનાવી શકે છે.
આ મામલામાં નવા ચુકાદા માટે કેસ વેસ્ટમિન્સ્ટર મેજીસ્ટ્રેશને ટ્રાન્સફર કરાશે. બ્રિટનના વિદેશ મંત્રી ચાલવાના પ્રત્યાર્પણના સંબંધમાં અંતિમ નિર્ણય લેશે. આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારી શકાય છે. એટલું જ નહી ત્યારબાદ લંડનની સુપ્રીમ કોર્ટમાં પણ આ ચુકાદાને પડકારી શકાય છે.