Rishi Sunak Seat Belt : બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકને આર્થિક દંડ ફટકારવામાં આવ્યો છે. ઋષિ સુનક વીડિયો બનાવવા માટે ઉત્તર-પશ્ચિમ ઈંગ્લેન્ડમાં ડ્રાઈવિંગ કરતી વખતે સીટબેલ્ટ ઉતારી નાખ્યો હતો. જોકે ઘટનાનું ભાન થતા તેમ્ણે માફી માંગી હતી. સાથે જ તેમને 100 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ મામલે સુનકના ડાઉનિંગ સ્ટ્રીટ (વડાપ્રધાન કાર્યાલય)ના પ્રવક્તાએ ગુરુવારે જણાવ્યું હતું કે, તેણે થોડા સમય માટે તેમને પોતાનો સીટબેલ્ટ ખોલ્યો હતો અને તેમણે સ્વીકાર્યું હતું કે, તેમણે ભૂલ કરી હતી. જાહેર છે કે, યુકેમાં કારમાં 'સીટ બેલ્ટ' ન પહેરવા બદલ £100નો તાત્કાલિક દંડ ફટકારવાની જોગવાઈ છે. જો મામલો કોર્ટમાં જાય તો આ દંડ વધીને £500 થાય છે. જોકે માન્ય તબીબી કારણોસર સીટ બેલ્ટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવે છે.
સુનાકના પ્રવક્તાએ કહ્યું હતું કે, તેમના દ્વારા લેવાયેલા નિર્ણયમાં નાની ભૂલ હતી. વડાપ્રધાને એક નાનકડો વીડિયો બનાવવા માટે પોતાનો સીટ બેલ્ટ કાઢી નાખ્યો હતો. તેમણે પોતાની ભૂલનો સંપૂર્ણ સ્વીકાર કર્યો છે અને માફી માંગી છે. પ્રવક્તાએ કહ્યું હતું કે, વડાપ્રધાન માને છે કે દરેક વ્યક્તિએ સીટ બેલ્ટ પહેરવો જોઈએ. સુનકે દેશભરમાં 100થી વધુ પ્રોજેક્ટ્સને ફંડ આપવા માટે 'લેવલિંગ અપ ફંડ'ની જાહેરાત કરવા માટે આ વીડિયો બનાવ્યો હતો.
'અર્થતંત્રને કેવી રીતે હેન્ડલ કરવું તેની સુનકને કોઈ ખબર જ નથી'
વીડિયોમાં ઋષિ સુનકની કારની આસપાસ મોટરસાઈકલ પર સવાર પોલીસ કર્મચારીઓ નજરે પડી રહ્યાં છે. આ ઘટનાને લઈને વિરોધ પક્ષે ઋષિ સુનકની આકરી ટિપ્પણી કરી હતી. સુનક પર નિશાન સાધતા વિપક્ષી લેબર પાર્ટીના પ્રવક્તાએ કહ્યું હતું કે, ઋષિ સુનકને સીટ બેલ્ટ કેવી રીતે પહેરવો, ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવો, ટ્રેન સેવા કેવી રીતે ચલાવવી, આ દેશમાં અર્થવ્યવસ્થાનું સંચાલન કેવી રીતે કરવું તે આવડતું જ નથી. રોજે રોજ આ યાદી લાંબી થતી જાય છે અને તેને જોઈને ખૂબ જ દુઃખ થાય છે.
જાહેર છે કે, થોડા દિવસો પહેલા સામે આવેલા એક વીડિયોમાં ઋષિ સુનક તેમના કાર્ડથી કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરતી વખતે ભારે સંઘર્ષ કરતા જોવા મળ્યાં હતાં. આ ઘટનાને લઈને પણ તેમના પર સવાલો ઉભા થયા હતાં.