Britain:  બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે ભારતીય મૂળના ગૃહમંત્રી સુએલા બ્રેવરમેનને બરતરફ કર્યા છે. સુએલાએ પોલીસ પર પેલેસ્ટાઈન તરફી વિરોધીઓ પ્રત્યે ખૂબ નરમ વલણ રાખવાનો આરોપ મૂક્યો હતો.






ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે સુએલા બ્રેવરમેને 'ધ ટાઈમ્સ' અખબારમાં એક લેખ લખ્યો હતો. આ લેખમાં તેમણે લંડનમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શનો સામે કડક કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી તેમના ભવિષ્યને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી.






સુએલા બ્રેવરમેનની ટિપ્પણીઓને લઈને સુનક તેના કન્ઝર્વેટિવ પાર્ટીના ઘણા સભ્યોના દબાણ હેઠળ હતા અને વિપક્ષના હુમલાઓનો પણ સામનો કરી રહ્યા હતા. આ દરમિયાન સુનકે તેમને પદ પરથી હટાવી દીધા છે. સરકારનું કહેવું છે કે કેબિનેટમાં ફેરબદલના ભાગરૂપે બ્રેવરમેને સોમવારે તેમનું પદ છોડી દીધું હતું.


બ્રિટિશ સરકારે શું કહ્યુ?


બ્રેવરમેને કહ્યું હતું કે લંડનની પોલીસ પેલેસ્ટાઈન તરફી ટોળા દ્વારા કાયદાના ઉલ્લંઘનને નજરઅંદાજ કરી રહી છે. તેમણે ગાઝામાં યુદ્ધવિરામની હાકલ કરતા વિરોધીઓને નફરત ફેલાવતા ગણાવ્યા હતા. બ્રેવરમેનના લેખ પર, ડાઉનિંગ સ્ટ્રીટે કહ્યું હતું કે તેમને બ્રેવરમેન પર સંપૂર્ણ વિશ્વાસ છે, પરંતુ તેઓ તપાસ કરી રહ્યા છે કે ધ ટાઈમ્સમાં એક અભિપ્રાય લેખમાં તેમની ટિપ્પણી કેવી રીતે પીએમ સુનકની સહમતિ વિના પ્રકાશિત કરવામાં આવી. આ સાથે સુનકના પ્રવક્તાએ કહ્યું હતું કે લેખના અભિપ્રાયો પીએમના વિચારો સાથે મેળ ખાતા નથી.   


તાજેતરમાં સુએલાના અન્ય એક નિવેદને ખળભળાટ મચાવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે બ્રિટિશ શહેરોમાં ફૂટપાથ પર રહેતા લોકો ત્યાં પોતાની સ્વતંત્ર ઇચ્છાથી રહે છે અને તે તેમની જીવનશૈલીની પસંદગી છે.


તેણે એક્સ (અગાઉના ટ્વિટર) પર પોતાની એક પોસ્ટમાં કહ્યું હતું કે, 'બ્રિટનના લોકો દયાળુ છે. જેઓ સાચા અર્થમાં બેઘર છે તેમને અમે હંમેશા ટેકો આપીશું. પરંતુ અમે લોકોને તંબુઓ બાંધીને અમારી શેરીઓ પર કબજો કરવાની મંજૂરી આપીશું નહીં જેમાંથી ઘણા વિદેશથી આવ્યા છે. આ લોકો તેમની જીવનશૈલી પસંદગીના રૂપમાં રસ્તાઓ પર રહે છે.


બ્રિટનના ગૃહમંત્રીએ કહ્યું કે સરકાર બ્રિટિશ શહેરોને સાન ફ્રાન્સિસ્કો અને લોસ એન્જલસ જેવા બનવાની મંજૂરી આપી શકે નહીં. બ્રેવરમેને કહ્યું હતું કે આ બે અમેરિકન શહેરોમાં બેઘર લોકો ફૂટપાથ પર રહે છે અને ત્યાં ગુનાખોરીનો દર સૌથી વધુ છે.


સોશિયલ મીડિયા પર બ્રેવરમેનની આ ટિપ્પણી પર ઘણો વિવાદ થયો હતો. બ્રિટનના વિપક્ષે તેની સખત નિંદા કરી હતી અને તેમની પોતાની કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોએ તેમના નિવેદનથી અંતર રાખ્યું હતું. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે પણ આ મામલે કોઇ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.