Ukraine Russia Conflict: યુક્રેન-રશિયા તણાવ વચ્ચે યુક્રેનની રાજધાની કિવમાં ભારતીય દૂતાવાસે યુક્રેનમાં હાજર ભારતીયોને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને અસ્થાયી ધોરણે યુક્રેન છોડવાની સલાહ આપી છે. દૂતાવાસ દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનમાં હાલની અનિશ્ચિતતાઓને જોતા ભારત સરકાર તેના તમામ નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓને યુક્રેન છોડીને દેશમાં પાછા ફરવાની સલાહ આપે છે.
આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે યુક્રેનની અંદર ભારતીય નાગરિકોએ કોઈપણ કામ વગર બહાર ન જવું જોઈએ અને જ્યાં સુધી જરૂરી હોય ત્યાં સુધી યુક્રેનની યાત્રા ન કરવી જોઈએ. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને અપીલ કરી છે કે તેઓ દૂતાવાસને તેમની હાજરી વિશે જાણ કરતા રહે. જેથી જરૂર પડે તો તેમને મદદ પહોંચાડી શકાય. આ પત્રના અંતમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય દૂતાવાસ યુક્રેનમાં તેનો સામાન્ય કામકાજ ચાલુ રાખશે જેથી કરીને યુક્રેનમાં હાજર ભારતીય નાગરિકોની સેવાઓ ચાલુ રાખી શકાય.
અગાઉ ગયા મહિને જાન્યુઆરીમાં યુક્રેનમાં ભારતીય દૂતાવાસે એક ફોર્મ બહાર પાડ્યું હતું. આ ફોર્મમાં, તમામ ભારતીય નાગરિકોને 31 જાન્યુઆરી સુધીમાં આ ફોર્મમાં તેમની માહિતી ભરવાની અપીલ કરવામાં આવી હતી જેથી કરીને ભારતીયોને વહેલી તકે જરૂરી માહિતી અને મદદ પૂરી પાડી શકાય. 25 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવેલ આ ફોર્મ, ભારતીય દૂતાવાસ દ્વારા તેના ટ્વિટર પર પિન કરવામાં આવ્યું છે. ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે તે કિવની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
રશિયા યુક્રેન પર હુમલો કરશે તો ભારત માટે અનેક મુશ્કેલીઓ વધશે
યુક્રેન અંગે વિશ્વની બે મહાશક્તિઓ અમેરિકા અને રશિયાની વચ્ચે તંગદિલી ખૂબ જ વધી ગઇ છે. અમેરિકન બોમ્બર યુરોપમાં પેટ્રોલિંગ કરી રહ્યાં છે. બીજી તરફ રશિયાએ પણ હાયપરસોનિક મિસાઇલ તૈનાત કરી દીધી છે. અમેરિકન પ્રમુખ જો બાઇડેન જાહેરાત કરી છે કે જો રશિયા યુક્રેન પર હુમલો કરશે તો તે મોસ્કો વિરુદ્ધ ખૂબ જ કડક પ્રતિબંધ મૂકશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો અમેરિકા રશિયાની વિરુદ્ધ કડક પ્રતિબંધ મૂકશે તો આનાથી ભારતની મુશ્કેલી વધશે. આટલું જ નહીં એસ-400 એર ડિફેન્સ સમજૂતી સામે પણ સંકટ ઉભુ થઇ શકે છે. આ ઉપરાંત યુક્રેનમાં વસતા હજારો ભારતીયોને ભારત પરત લાવવા પડશે. રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ થશે તો ઓઇલના ભાવ આકાશને આંબશે અને ફુગાવો ખૂબ જ વધી જશે.