Russia Ukraine War: એક વર્ષથી વધુ સમય પછી પણ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. યુક્રેનને અમેરિકા પાસેથી ક્લસ્ટર બોમ્બ મળ્યા બાદ તણાવ વધતો જોવા મળી રહ્યો છે. યુદ્ધની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. તેમણે કહ્યું હતું કે રશિયા પાસે ક્લસ્ટર બોમ્બનો પૂરતો સ્ટોક છે અને જો યુક્રેનમાં રશિયન દળો સામે આવા હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે તો અમે તેનો ઉપયોગ કરીશું. પુતિને એક સરકારી ટીવી ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી.
પુતિને પોતાના ઈન્ટરવ્યૂમાં કહ્યું કે જો જરૂર પડશે તો મોસ્કો જે રીતે જવાબ આપવો જોઈએ તે જ રીતે જવાબ આપશે. આ દરમિયાન તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રશિયા પાસે વિવિધ પ્રકારના ક્લસ્ટર બોમ્બનો પૂરતો ભંડાર છે. અમે હજુ સુધી તેનો ઉપયોગ કર્યો નથી. પરંતુ અલબત્ત જો તેનો ઉપયોગ અમારી વિરુદ્ધ થાય છે, તો અમને તેનો ઉપયોગ કરવાનો અધિકાર છે.
રશિયા ક્લસ્ટર બોમ્બના ઉપયોગને ગુનો માને છે
પુતિને કહ્યું કે તેઓ ક્લસ્ટર બોમ્બના ઉપયોગને ગુનો માને છે. તેમણે દાવો કર્યો હતો કે ભૂતકાળમાં દારૂગોળાની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોવા છતાં રશિયાએ પોતે તેનો ઉપયોગ કર્યો નથી. હ્યુમન રાઇટ્સ વોચનું કહેવું છે કે મોસ્કો અને કિવ બંનેએ ક્લસ્ટર હથિયારોનો ઉપયોગ કર્યો છે. એટલું જ નહીં, પુતિને પોતાના ઈન્ટરવ્યુ દરમિયાન એવો પણ દાવો કર્યો હતો કે રશિયા સામે યુક્રેનને આપવા માટે પશ્ચિમી દેશો પાસે શસ્ત્રો ખૂટ્યા છે. આવી સ્થિતિમાં હવે અમેરિકાએ યુક્રેનને ક્લસ્ટર બોમ્બની જાહેરાત કરી છે.
આ બોમ્બ 123 દેશોમાં પ્રતિબંધિત છે
નોંધનીય છે કે સાત જૂલાઇના યુએસએ યુક્રેન માટે નવા સૈન્ય સહાય પેકેજની જાહેરાત કરી જેમાં બાઇડન સરકારે યુક્રેનને પ્રતિબંધિત ક્લસ્ટર બોમ્બ આપવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ બોમ્બને દુનિયાના 123 દેશોએ પ્રતિબંધિત કરી દીધો છે, જો કે અમેરિકા અને યુક્રેન કે રશિયા તેમાં સામેલ નથી. આ ખાસ બોમ્બ આપવા પર અમેરિકાએ કહ્યું કે 'યુક્રેન આ બોમ્બનો ઉપયોગ કોઈ વિદેશી જમીન પર નહીં કરે'. તે તેનો ઉપયોગ ફક્ત પોતાની સુરક્ષા માટે કરશે.