યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ બુધવારે પેલેસ્ટાઇન દ્વારા પ્રસ્તાવિત ડ્રાફ્ટ ઠરાવનો સ્વીકાર કરી લીધો છે જેમાં ઇઝરાયલને તેના કબજા હેઠળના પેલેસ્ટિનિયન પ્રદેશોમાં તેની "ગેરકાયદેસર હાજરી"ને સમાપ્ત કરવાની માંગ કરવામાં આવી હતી. આ પ્રસ્તાવને 124 મતોનું સમર્થન મળ્યું હતું, જ્યારે ભારત સહિત 43 દેશો મતદાનથી દૂર રહ્યા હતા. જ્યારે ઈઝરાયલ, અમેરિકા અને અન્ય 12 દેશોએ તેની વિરુદ્ધમાં વોટ આપ્યો હતો.






યુએનજીની બેઠક માટે વૈશ્વિક નેતાઓ ન્યૂયોર્ક પહોંચી રહ્યા છે ત્યારે આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ 26 સપ્ટેમ્બરે 193 સભ્યોની મહાસભાને સંબોધિત કરશે, તે જ દિવસે પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ પણ ત્યાં હાજર રહેશે.


કબજો ખાલી કરવા માટે 12 મહિનાનો સમય


પ્રસ્તાવમાં જૂલાઇમાં ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (ICJ) દ્વારા આપવામાં આવેલી સલાહનું સ્વાગત કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે પેલેસ્ટિનિયન પ્રદેશો અને વસાહતો પર ઇઝરાયલનો કબજો ગેરકાયદેસર છે અને તેને ખાલી કરી દેવો જોઇએ. ઇન્ટરનેશનલ કોર્ટે કહ્યું હતું કે આ કામ શક્ય તેટલું જલ્દી કરવું જોઈએ. જો કે, યુએનજીએ દ્વારા પસાર કરાયેલા ઠરાવમાં આ માટે 12 મહિનાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.


ઇઝરાયલથી આયાત કરતા દેશોને અપીલ


જનરલ એસેમ્બલીનો ઠરાવ સભ્ય દેશોને ઇઝરાયલી વસાહતોમાં બનાવેલા ઉત્પાદનોની આયાત અટકાવવા અને શસ્ત્રો, દારૂગોળો અને સંબંધિત સાધનો પર પ્રતિબંધ મૂકવા માટે કહે છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે તેનો ઉપયોગ ઇઝરાયલ પોતાના કબજા હેઠળના પ્રદેશોમાં કરે છે.


ઠરાવ પસાર થતા પેલેસ્ટાઈન માટે વિજય


આ ઠરાવથી પેલેસ્ટાઈનનો મુદ્દો ફરી એકવાર ઉભો થયો છે એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય સમુદાયને ઈઝરાયલના કબજા સામે કડક પગલાં લેવાની અપીલ પણ કરવામાં આવી છે. આને રાજકીય મોરચે પેલેસ્ટાઈનની જીત તરીકે જોવામાં આવી રહ્યું છે, જ્યારે ઈઝરાયલ અને તેના સમર્થક દેશો તરફથી પડકાર વધી શકે છે.


Lebanon Radio Blast: લેબનાનમાં ફરી સીરિયલ બ્લાસ્ટ, પેજર બાદ રેડિયોમાં વિસ્ફોટ, 14નાં મોત, 400થી વધુ ઘાયલ