UN resolution: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈઝરાયલને લઈને એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં માંગણી કરવામાં આવી છે કે ઇઝરાયલ સીરિયાની ગોલન હાઇટ્સ પરનો પોતાનો કબજો હટાવે. આ પ્રસ્તાવને ભારત સહિત 91 દેશોએ સમર્થન આપ્યું છે.


આ પ્રસ્તાવ ઇજિપ્ત દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો જેની તરફેણમાં 91 મત પડ્યા હતા જ્યારે 8 દેશોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. 62 દેશો મતદાન દરમિયાન ગેરહાજર રહ્યા હતા. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે યુએનજીએ અને સુરક્ષા પરિષદના ઠરાવોની વિરુદ્ધ ઇઝરાયલ સીરિયન ગોલન હાઇટ્સમાંથી પોતાનો કબજો છોડી દે જે તેણે 1967 માં કબજે કર્યું હતું.                


ભારત ઉપરાંત આ પ્રસ્તાવનું સમર્થન કરનારા દેશોમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન, નેપાળ, ચીન, લેબનોન, ઈરાન, ઈરાક અને ઈન્ડોનેશિયા પણ સામેલ છે. ઓસ્ટ્રેલિયા, બ્રિટન, અમેરિકા, પલાઉ, માઇક્રોનેશિયા, ઇઝરાયલ, કેનેડા અને માર્શલ આઇલેન્ડે આ પ્રસ્તાવના વિરોધમાં મતદાન કર્યું હતું.                    


યુક્રેન, ફ્રાન્સ, જર્મની, ડેનમાર્ક, બેલ્જિયમ, જાપાન, કેન્યા, પોલેન્ડ, ઓસ્ટ્રિયા અને સ્પેન જેવા 62 દેશોએ આ પ્રસ્તાવ પર વોટિંગ કરવાથી દૂર રહ્યા હતા. આ પ્રસ્તાવ પર 28 નવેમ્બરે મતદાન થયું હતું. ગોલન હાઇટ્સ પશ્ચિમ સીરિયાનો એક વિસ્તાર છે, જેના પર ઇઝરાયલ દ્વારા 5 જૂન, 1967ના રોજ કબજો કરવામાં આવ્યો હતો. ઇઝરાયલે 1967માં છ દિવસના યુદ્ધ દરમિયાન સીરિયાની ગોલન હાઇટ્સ પર કબજો કર્યો હતો.                  


ગોલન હાઇટ્સ શું છે?


ગોલન હાઇટ્સ પશ્ચિમ સીરિયામાં સ્થિત એક પર્વતીય વિસ્તાર છે. ઇઝરાયલે 1967માં સીરિયા સાથે છ દિવસના યુદ્ધ બાદ ગોલન હાઇટ્સ પર કબજો કર્યો હતો. આ વિસ્તારમાં રહેતા મોટાભાગના સીરિયન આરબ લોકોએ પોતાનું ઘર છોડી દીધું છે.


1973ના મધ્ય પૂર્વ યુદ્ધ દરમિયાન સીરિયાએ ગોલન હાઇટ્સ પર ફરીથી કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે સફળ થઈ શક્યું નહીં. 1974માં બંને દેશોએ આ વિસ્તારમાં યુદ્ધવિરામ લાગુ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના દળો 1974થી યુદ્ધવિરામ રેખા પર તૈનાત છે. 1981 માં ઇઝરાયલે એકપક્ષીય રીતે ગોલન હાઇટ્સને તેના પ્રદેશમાં જોડવાની જાહેરાત કરી હતી. પરંતુ ઈઝરાયલના આ પગલાને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી ન હતી.