નવી દિલ્હી: અમેરિકામાં કોરોના વાયરસ પોઝિટિવ દર્દીઓની સંખ્યા હવે 1 લાખને પાર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 18 હજારથી વધુ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 345 લોકોના મોત થયા છે. આ આંકડા જૉન હોપકિંસ યૂનિવર્સિટીના ટ્રૈકરે જાહેર કર્યા છે.


અમેરિકામાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 1544 લોકોના મોત થયા છે. કુલ 100,717 લોકો આ બીમારીની ચપેટમાં આવી ચૂક્યા છે. આ પ્રથમ દેશ છે, જ્યાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1 લાખને પાર પહોંચી છે. અમેરિકા જેવા સુપર પાવર દેશ કોરોના મહામારી સામે લાચાર જોવા મળી રહ્યો છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે 2 ટ્રિલિયન ડૉલર રાહત પેકેજને મંજૂરી આપી છે. આ રાહત પેકેજથી અમેરિકી ઈકોનોમીને થયેલા નુકશાનની ભરપાઈ કરવામાં આવશે. આ પેકેજમાંથી લોકોને બેરોજગારી ભથ્થું પણ આપવામાં આવશે. આ અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ છે.

છેલ્લા ચાર દિવસમાં અમેરિકામાં આશરે 50 હજાર નવા કેસ સામે આવ્યા છે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં 591802 લોકો કોરોના વાયરસથી પોઝિટિવ છે. જેમાંથી 26995 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 129790 લોકોની સારવાર કરવામાં આવી છે.