US Attack In Iran Weapon Storage in Syria: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન પૂર્વી સીરિયામાં સ્થિત અમેરિકાના સૈન્ય મથકો પર ઈરાન સમર્થિત જૂથો દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. આ હુમલાના જવાબમાં અમેરિકાએ બુધવારે (8 નવેમ્બર) ના રોજ હવાઈ હુમલો કર્યો જેમાં ઈરાન સમર્થિત જૂથના કુલ 9 લોકો માર્યા ગયા હતા. અમેરિકાએ આ હુમલો ઈરાન સમર્થિત મિલિશિયા દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયારોના વેરહાઉસ પર કર્યો હતો.






2 F-15 ફાઈટર જેટની મદદથી અમેરિકાએ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ સાથે જોડાયેલા હથિયારોના વેરહાઉસ પર હુમલો કર્યો હતો. અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે અમારા માટે અમેરિકી સૈનિકોની સુરક્ષા કરતાં વધુ મહત્વનું કાંઈ નથી. આ કાર્યવાહીથી અમે સાબિત કર્યું કે અમેરિકા તેના સૈનિકોના હિત માટે કંઈ પણ કરશે.


બે અઠવાડિયામાં બીજો હુમલો


છેલ્લા બે સપ્તાહમાં બીજી વખત અમેરિકાએ સીરિયામાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ સાથે જોડાયેલા હથિયારોના વેરહાઉસને નિશાન બનાવ્યા છે. અમેરિકાએ માહિતી આપી હતી કે 17 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 40 એવા હુમલા કરવામાં આવ્યા છે જેમાં અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે. અમેરિકા ઈરાન અને તેના સાથી દેશોને ઈઝરાયેલ-હમાસ યુદ્ધને પ્રાદેશિક યુદ્ધમાં ફેરવતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેના કારણે તે ઈરાની સમર્થિત લક્ષ્યો પર હુમલો કરી તેનું નિયંત્રણ કરી રહ્યું છે અને અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ વધવાનો ભય છે.


નોંધનીય છે કે ગત મહિને 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હમાસ જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 1400 ઈઝરાયેલના મોત થયા છે. ઈઝરાયેલનો દાવો છે કે ઈરાન હમાસને સમર્થન આપી રહ્યું છે, જેના કારણે ઈરાન સમર્થિત જૂથે પૂર્વી સીરિયામાં અમેરિકી સૈન્ય મથકો પર હુમલો કર્યો, જેના પછી અમેરિકાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.


ઈરાન અને સીરિયામાં અમેરિકાના સૈનિકો


પેન્ટાગોન અનુસાર, 17 અને 18 ઓક્ટોબરે ઈરાન સમર્થિત જૂથ દ્વારા અમેરિકાના સૈન્ય મથકો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કુલ 45 સૈનિકો ઘાયલ થયા છે. તેમાંથી 32 સૈનિકો દક્ષિણ-પૂર્વ સીરિયામાં અલ-તનફ ગેરિસન ખાતે અને 13 સૈનિકો પશ્ચિમ ઇરાકમાં અલ-અસદ એરબેઝ પર હાજર હતા. ઇસ્લામિક સ્ટેટ જૂથને ફરીથી રોકવા માટે અમેરિકાએ તેના લગભગ 2,500 સૈનિકો ઈરાનમાં અને 900 સીરિયામાં તૈનાત કર્યા છે.


નોંધનીય છે કે એક સમયે ઈરાન સહિત સીરિયાના મહત્વના વિસ્તારો પર ઈસ્લામિક સ્ટેટ ગ્રુપનો કબજો હતો, પરંતુ ઘણા વર્ષોના લોહિયાળ સંઘર્ષ અને આંતરરાષ્ટ્રીય દેશોના હવાઈ હુમલાના કારણે આઈએસને પીછેહઠ કરવાની ફરજ પડી હતી.