અમેરિકાની સંસદમાં થયેલ હિંસા બાદ ફેસબુક અને ટ્વિટર બાદ હવે યૂટ્યૂબે પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર એક સપ્તાહ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. વીડિયો પ્લેટફોર્મે આ પ્રતિબંધ પાછળ હિંસા ફેલાવવાની આશંકાને ગણાવી છે. યૂટ્યૂબે કહ્યું કે, તેમના દ્વારા કોઈપણ પોસ્ટ કરવાથી હિંસા ભડકી શકે છે. આ પહેલા ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ કાયમી માટે સસ્પેન્ડ કરી દીધું હતું.


20 જાન્યુઆરી સુધી એકાઉન્ટ પર પ્રતિબંધ રહેશે

20 જાન્યુઆરીએ યૂએસમાં જો બાઇડને રાષ્ટ્રપતિ પદના શપથ લેશે અને કહેવાય છે કે, યૂટ્યૂબે આ નિર્ણય એટલા માટે જ લીધો છે. જ્યારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે પણ ડોનાલ્ડ ટ્રમ્પ પર 20 જાન્યુઆરી સુધી પ્રતિબંધ લગાવ્યો છે. ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગ અનુસાર અમિરાકના નવનિર્વાજિત રાષ્ટ્રપતિ જો બાઇડનના શપથ ગ્રહણ કર્યા સુધી ડોનાલ્ડ ટ્રમ્પના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રતિબંધ રહેશે.

ટ્રમ્પે કહ્યું અમે ચુપ નહીં બેસીએ

ટ્વિટર પર કાયમી પ્રતિબંધના સમયે ટમ્પના 8.87 કરોડ ફોલોઅર હતા અને તે 51 લોકોને ફોલો કરતા હતા. ટ્વિટર પર પ્રતિબંધ થયાના થોડા કલાક બાદ ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું, “મને આવું થવાનો અંદાજ હતો. અમે અન્ય સાઇટ સાથે વાત કરી રહ્યા છીએ અને તેના પર ટૂંકમાં જ મોટી જાહેરાત આવશે અને અમે નજીકના ભવિષ્યમાં અમારું ખુદનું પ્લેટફોર્મ બનાવાવની સંભાવનાઓ પર વિચાર કરી રહ્યા છીએ. અમે ચુપ નહીં બેસીએ.”