વોશિંગટન: ઈરાન દ્વારા ઈરાકમાં અમેરિકી સૈન્ય બેઝ પર કરવામાં આવેલા હુમલામાં અમેરિકાના 11 સૈનિકો ઘાયલ થયા હતા. જેની પુષ્ટી અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ દ્વારા કરવામાં આવી છે. ઈરાન અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે. અમેરિકાએ હુમલો કરી ઈરાનના પ્રમુખ કમાન્ડર સુલેમાનીની હત્યા કરતા ઈરાને પણ વળતો હુમલો કર્યો હતો.


અમેરિકી સેન્ટ્રલ કમાન્ડરના પ્રવક્તા કેપ્ટન બિલ અર્બને એક નિવેદનમાં જણાવ્યું કે, અલ અસદ વાયુ સેનાના બેઝ પર ઈરાન દ્વારા આઠ જાન્યુઆરીએ કરેલા હુમલામાં એક પણ અમેરિકી સૈનિકનું મોત થયું નહોતું, પરંતુ વિસ્ફોટના કારણે સ્વાસ્થ્ય સંબંધીત કેટલીક પરેશાની થઈ જેના કારણે સૈનિકોની સારવાર ચાલી રહી છે.

કેપ્ટન બિલ અર્બને દાવો કર્યો છે કે, હુમલા સમયે એલર્ટ મળ્યા બાદ બેઝ પર હાજર 1500માંથી મોટાભાગના સૈનિકો બંકરમાં છુપાઈ ગયા હતા. જેના કારણે મોટું નુકસાન થયું નથી. આ પહેલા અમેરિકી સેનાએ કહ્યું હતું કે હુમલામાં મોટું નુકસાન થયું છે પરંતુ કોઈ માનહાની થઈ નથી.