નવી દિલ્હીઃ અમેરિકાએ જાહેરાત કરી છે કે તે નશીલા પદાર્થોની તસ્કરીના મામલામાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ સંબંધિત જાણકારી આપનારને 1.5 કરોડ ડોલર ઇનામ આપશે. આ જાહેરાત ગુરુવારે અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કરી હતી. પોમ્પિયોએ ઇનામની જાહેરાત ન્યાય વિભાગ દ્ધારા માદુરો વિરુદ્ધ મામલાના ખુલાસા બાદ કરી હતી.


ન્યાય વિભાગે માદુરોના નામનો ઉલ્લેખ એક રાષ્ટ્રપતિના રૂપમાં કર્યો છે નહી કે એક સામાન્ય ગુનેગારના રૂપમાં. વાસ્તવમાં અમેરિકા વેનેઝુએલના વિપક્ષી નેતા જુઆન ગુએડોને સતામાં આવવા માટે મદદ કરી રહ્યુ છે. અમેરિકન વિદેશ મંત્રી પોમ્પિયોએ નિવેદનમાં કહ્યું કે, વેનેઝુએલાની જનતા પારદર્શી અને પ્રતિનિધિત્વવાળી સરકારની હકદાર છે જે લોકોની સેવા કરે અને જે સરકારી અધિકારીઓ મારફતે નશીલા પદાર્થોની ગેરકાયદેસર તસ્કરીમાં સામેલ થઇને લોકોનો વિશ્વાસ તોડે નહીં.

આ અગાઉ ગુરુવારે અમેરિકન સરકારે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને અન્ય અધિકારીઓને નાર્કો ટેરરિઝમ હેઠળ દોષિત ઠેરવ્યા હતા. માનવામાં આવી રહ્યુ છે કે માદુરો સરકાર પર દબાણ બનાવવા માટે અમેરિકન સરકારે આ પગલુભર્યું છે. રાષ્ટ્રપતિ માદુરો વર્ષ 2013થી સત્તામાં છે. અમેરિકાનો આરોપ છે કે માદુરો કોલંબિયાના ગોરિલ્લા જૂથ ફાર્ક સાથે મળીને કાવતરુ રચી રહ્યા છે.

અમેરિકન સરકારના મતે ફાર્ક અમેરિકામાં કોકીનની વ્યાપક પ્રમાણમાં તસ્કરી કરી રહ્યા છે. કોઇ રાષ્ટ્રઅધ્યક્ષની ધરપકડ માટે ઇનામની જાહેરાત એક દુર્લભ ઘટના છે. વાસ્તવમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વેનેઝુએલાની નીતિની સફળતાને લઇને નારાજ છે. જોકે, માદુરોને દેશની સેના, રશિયા, ચીન અને ક્યૂબાનું સમર્થન છે.