વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસ પર નિશાન સાધ્યું છે. ટ્રમ્પે કહ્યું, હેરિસમાં આ પદ પર બેસવા માટે કાબેલિયત નથી. ન્યૂહેમ્પશાયરમાં રિપબ્લિકન પાર્ટીની પ્રચાર રેલીને સંબોધિત કરતાં તેમણે આ વાત કહી હતી.

ટ્રમ્પે કહ્યું, અમેરિકામાં ટોચના પદ પર કોઈ મહિલાને જોવાનું સમર્થન કરે છે. આ માટે મારી દીકરી અને વ્હાઇટ હાઉસ સલાહકાર ઈવાન્કા ટ્રમ્પ યોગ્ય ઉમેદવાર હોઈ શકે છે. હેરિસે ગત વર્ષ સુધી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીની દાવેદારી કરતી હતી.



ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેને કમલા હેરિસને ઉપ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટ્યા છે. હેરિસના પિતા જમૈકા અને માતા ભારતના હતા. ટ્રમ્પે કહ્યું, તમે જાણો છો કે ટોચના પદ પર એક મહિલાને જોવા માંગુ છું. પરંતુ હું નથી ઈચ્છતો તે આ પદ પર આવે. કારણકે તે કુશળ પણ નથી.

ટ્રમ્પનું આટલું જ કહેતા લોકો તાળીઓ પાડવા લાગ્યા હતા અને ઈવાન્કા ટ્રમ્પના નામની બૂમો પાડવા લાગ્યા હતા. તેના પર રાષ્ટ્રપતિએ તેમના સમર્થકોને કહ્યું, તે બધા પણ ઈવાન્કાને જોવા માંગે છે. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઔપચારિક રીતે રિપબ્લિકન પાર્ટી તરફથી નામાંકન ભર્યા બાદ ટ્રમ્પની આ પહેલી ચૂંટણી રેલી હતી. ટ્રમ્પે તેના ભાષણમાં બિડેનની આલોચના કરી હતી.