ટોક્યો: ઉત્તર કોરિયામાં અમેરિકાના વિશેષ દૂત સુંગ કિમે આજે કહ્યું કે ઉત્તર કોરિયા દ્વારા સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને પાંચમા પરમાણુ પરીક્ષણ કર્યા પછી અમેરિકા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.
કિમે કહ્યું, ‘અમેરિકા અને જાપાન સુરક્ષા પરિષદમાં કાર્યવાહી સિવાય કોરિયા ગણરાજ્ય સાથે મળીને ઉત્તર કોરિયા વિરુદ્ધ એકપક્ષીય, દ્ધપક્ષીય અથવા ત્રિપક્ષીય કાર્યવાહી થવાની સંભાવના શોધી રહ્યા છે. ટોક્યોમાં જાપાનના વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત પછી પત્રકારો સાથેની વાતચીતમાં કિમે ઉત્તર કોરિયાના વર્તનને ‘ભડકાઉ’ જાહેર કર્યું છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયાએ ગયા શુક્રવારે પોતાના પાંચમા અને સૌથી શક્તિશાળી પરમાણુ પરીક્ષણ કર્યું હતું, જેની ચર્ચા ચારેબાજુ થઈ હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઉત્તર કોરિયાના આ કદમની નિંદા કરતા કહ્યું કે, તે આનાથી સંબંધિત પ્રસ્તાવ પર તાત્કાલિક કામ શરૂ કરશે. તેને ધ્યાનમાં રાખીને અમેરિકા, બ્રિટેન અને ફ્રાંસ સહિત ઘણાં દેશોએ સુરક્ષા પરિષદને આ સંદર્ભે કડક પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી છે.