નવી દિલ્હીઃ અમેરિકા અને ઇરાન વચ્ચે સતત બગડતા માહોલ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર તરફથી શાંતિની અપીલ કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુતેરેસે ગુરુવારે નિવેદન જાહેર કરી બંન્ને દેશોને જણાવ્યું હતું કે, તે આક્રમકતા છોડે અને શાંતિ જાળવી રાખે. તેમણે કહ્યું કે, દુનિયા હાલમાં યુદ્ધ સહન કરી શકશે નહીં. એન્ટોનિયો તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, અમેરિકા અને ઇરાનને શાંતિ તરફ આગળ વધવું જોઇએ. જેનાથી ગલ્ફ ક્ષેત્રમાં બધુ ઠીક થઇ જશે. તેમણે પોતાના સંદેશમાં ચાર બાબતો પર ધ્યાન રાખ્યું હતું જેમાં આક્રમકતા ઓછી કરવી, શાંતિની અપીલ, વાતચીત વધારવી અને અન્ય દેશો સાથે સંબંધો વધારવા પર ભાર મુકાયો હતો.


નોંધનીય છે કે અમેરિકા અને ઇરાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી સતત તણાવ ચાલી રહ્યો છે. અમેરિકાએ એર સ્ટ્રાઇકમાં ઇરાની કમાન્ડર કાસિમ સુલેમાનીને માર્યા બાદ સ્થિતિ બગડી ગઇ હતી. જેના જવાબમાં ઇરાને ઇરાકમાં અમેરિકન એરબેઝ પર મિસાઇલથી હુમલો કર્યો હતો.