ન્યૂયોર્કઃ અમેરિકમાં રહીને અભ્યાસ કરતાં આશરે 1.86 લાખ સ્ટુડન્ટ્સ માટે માઠા સમાચાર છે. 9 ઓગષ્ટથી લાગુ થયેલી નીતિ મુજબ સ્ટુડન્ટ સ્ટેટસનું ઉલ્લંઘન કરવાના બીજા જ દિવસે સ્ટુડન્ટ અને તેની સાથે અમેરિકા ગયેલા વ્યક્તિને ગેરકાયદેસર માનવામાં આવશે.
નવી નીતિ અંતર્ગત ઉલ્લંઘનના 180 દિવસ બાદ સ્ટુડન્ટ અમેરિકા છોડે તો તેના પર 3 થી 10 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. પહેલા ઈમિગ્રેશન જજ આદેશ આપે કે તપાસ દરમિયાન ઉલ્લંઘનનો ભંગ થયો હોવાનું જણાય ત્યારે ગેરકાયદેસર ઉપસ્થિતિ હોય તેમ માનવામાં આવતું હતું.
ગેરકાયદેસર હાજરી માત્ર મર્યાદાથી વધારે સમય રોકવા સુધી નહીં પરંતુ અનેક કારણોથી થાય છે. જેમકે કોઈ સ્ટુડન્ટ તેની નક્કી મર્યાદામાં એજ્યુકેશન પૂરું ન કરે તો ગેરકાયદે માનવામાં આવે છે. ગેરકાયદેસર નોકરી કે વધારે સમય રોકાવા પર પણ આમ થઈ શકે છે.
આ નીતિ અંતર્ગત જો કોઈનું સ્ટુડન્ટ સ્ટેટસ જતુ રહે તો પાંચ મહિનાની અંદર અરજી કરી શકે છે. આમ કરવાથી ગેરકાયદેસર હાજરીના દિવસોની ગણતરી અટકી જશે. જો અરજી ફગાવી દેવામાં આવે તો બીજા જ દિવસથી ફરીથી શરૂ થઈ જાય છે.