વોશિંગ્ટન: અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને વિઝાને લગતાં અનેક નિયમો કડક કર્યાં છે. આ નિયમો હેઠળ એવી મહિલાઓએ વિઝા મેળવવા મુશ્કેલ બનશે જે મહિલાઓ ગર્ભવતી છે અને ફક્ત બાળકને જન્મ આપવા જ અમેરિકા જવા ઈચ્છે છે. આ પ્રકારના ઘટનાક્રમથી વાકેફ બે અમેરિકન અધિકારીઓએ કહ્યું હતું કે, અમેરિકન વિદેશ વિભાગ આ નિયમ જારી કરશે. નવા નિયમો હેઠળ ગર્ભવતીઓ માટે ટુરિસ્ટ વિઝા પર પ્રવાસ કરવો પણ મુશ્કેલ બનશે.
આ નિયમોમાં કહેવાયું છે કે, ગર્ભવતીઓએ વિઝા લેવા માટે કાઉન્સિલર ઓફિસરને સમજાવવું પડશે કે, અમેરિકા આવવાનું તેમની પાસે વાજબી કારણ છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન અમેરિકા આવવાના તમામ પ્રકારોની છણાવટ કરીને તેને કડક બનાવી રહ્યું છે. પરંતુ પ્રમુખ ટ્રમ્પે ખાસ કરીને જન્મજાત નાગરિકતાના મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. આ નિયમો હેઠળ બિન અમેરિકન બાળકોને અમેરિકામાં જન્મ લેતાંની સાથે જ નાગરિકતા મળી જાય છે.
અમેરિકન સરકારના જણાવ્યા પ્રમાણે, અમેરિકા સહિતના અનેક દેશોમાં ‘બર્થ ટુરિઝમ’ ખૂબ ફૂલ્યું ફાલ્યું હતું. અમેરિકન કંપનીઓ આ માટે જાહેરખબરો પણ આપતી હતી. આ માટે હોટલ રૂમ અને આરોગ્ય સુવિધા માટે કેટલીક કંપનીઓ તો 80 હજાર ડોલર સુધીની વસૂલાત કરતી હતી. રશિયા અને ચીન જેવા દેશોની અનેક મહિલાઓ ફક્ત બાળકને જન્મ આપવા અમેરિકા આવતી હતી. જોકે ટ્રમ્પે પ્રમુખ બન્યા બાદ આવી અનેક ખામી સામે કડક પગલાં લીધા છે.