BBC Office : બીબીસી ઈન્ડિયા સામે આવકવેરા વિભાગના 'સર્વે અભિયાન' વચ્ચે અમેરિકાએ પહેલીવાર નિવેદન આપ્યું છે. અમેરિકાએ આ મામલે કહ્યું છે કે, તે પ્રેસની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ધાર્મિક સ્વતંત્રતાના સાર્વત્રિક અધિકારોના મહત્વને સમર્થન કરે છે. તે ભારત સહિત વિશ્વભરમાં 'લોકશાહીનો આધાર' છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇસે આ નિવેદન કથિત કરચોરીની તપાસના ભાગરૂપે દિલ્હી અને મુંબઈમાં બીબીસીના કાર્યાલયો અને અન્ય બે સંબંધિત સ્થાનો પર આવકવેરા વિભાગે 'સર્વે ઓપરેશન' શરૂ કર્યાના એક દિવસ બાદ આપ્યું હતું.


બીસીસીની દિલ્હી અને મુંબઈની ઓફિસોમાં આઈટીની આ કાર્યવાહી આજે બીજા દિવસે પણ યથાવત રહી હતી. પ્રાઇસે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, અમે દિલ્હીમાં બીબીસી ઓફિસમાં ભારતીય કર સત્તાવાળાઓ દ્વારા કરાયેલી કાર્યવાહીથી વાકેફ છીએ. તમારે આ અંગે માહિતી મેળવવા માટે ભારતીય સત્તાવાળાઓ પાસે જવું જોઈએ. પ્રાઇસે કહ્યું હતું કે, અમે વિશ્વભરમાં મુક્ત પ્રેસના મહત્વને સમર્થન આપીએ છીએ. અમે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને માનવ અધિકાર તરીકે ધર્મ અને માન્યતાની સ્વતંત્રતાના મહત્વ પર ભાર મૂકીએ છીએ જે વિશ્વભરમાં લોકશાહીને મજબૂત કરવામાં ફાળો આપે છે. તેનાથી અહીં આ દેશમાં લોકશાહી મજબૂત થઈ છે. તેનાથી ભારતની લોકશાહી મજબૂત થઈ છે.


'સાર્વત્રિક અધિકારો વિશ્વની લોકશાહીનો આધાર'


પ્રાઈસે કહ્યું હતું કે, આ સાર્વત્રિક અધિકારો સમગ્ર વિશ્વમાં લોકશાહીનો આધાર છે. શું આ પગલું લોકશાહીની ભાવના અથવા મૂલ્યોની વિરુદ્ધ છે? એમ પુછવામાં આવતા પ્રાઇસે કહ્યું હતું કે, હું એમ ના કહી શકું. અમે આ સર્ચ (સર્વે ઓપરેશન)ના તથ્યોથી વાકેફ છીએ પણ હું કોઈ ચુકાદો આપી શકવાની સ્થિતિમાં નથી. બીબીસીએ બે ભાગની ડોક્યુમેન્ટ્રી 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' પ્રસારિત કર્યાના અઠવાડિયા પછી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 


ઈન્કમ ટેક્ષના અધિકારીઓએ આ મામલે જણાવ્યું હતું કે, આ સર્વે આંતરરાષ્ટ્રીય કરવેરા અને બીબીસીની પેટાકંપનીઓના ટ્રાન્સફર પ્રાઇસિંગ સંબંધિત મુદ્દાઓની તપાસ કરવા માટે હાથ ધરવામાં આવી હતી.


તેમણે આક્ષેપ કર્યો હતો કે, ભૂતકાળમાં પણ બીબીસીને નોટિસ આપવામાં આવી હતી પરંતુ તેણે ધ્યાન આપ્યું ન હતું અને તેનું પાલન કર્યું ન હતું. બીબીસીએ તેના નફાનો નોંધપાત્ર હિસ્સો ડાયવર્ટ કરી નાખ્યો છે. સર્વે ડ્રાઇવ હેઠળ આવકવેરા વિભાગ કંપનીના વ્યવસાયિક સ્થળ પર જ સર્ચ કરે છે અને તેના પ્રમોટરો અથવા ડિરેક્ટરોના રહેઠાણો અને અન્ય સ્થળો પર દરોડા પાડતું નથી.