હ્યુસ્ટન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં વસતા ભારતીયો સાથે હ્યુસ્ટનમાં સભાને સંબોધિત કરી હતી. ભારતના લોકનૃત્યોની સાથે પશ્ચિમી ગીતોની ધમાલ સાથે રંગારંગ કાર્યક્રમ લોકોએ નીહાળ્યો હતો. આ બધાંની વચ્ચે એક છોકરાએ લાખો લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. આ બાળક મોદી અને ટ્રમ્પને રોકીને તેમની સાથે સેલ્ફી લઈને રાતોરાત સ્ટાર બની ગયો છે.

હ્યુસ્ટનના NRG સ્ટેડિયમમાં આયોજીત ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમાં ભાગ લીધો હતો. જ્યારે ટ્રમ્પ કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા તો તેઓ નરેન્દ્ર મોદીની સાથે સમારંભ સ્થળની તરફ જઈ રહ્યા હતાં. તે દરમિયાન બંને નેતા એકબીજાના હાથ પકડી આગળ વધતાં હતા ત્યારે એક છોકરો પીએમ મોદી અને ટ્રમ્પની સાથે સેલ્ફી લીધા બાદ ચર્ચામાં આવી ગયો હતો. સોશિયલ મીડિયા પર બધાં લોકો આ છોકરા અંગે પ્રશ્ન પૂછવા લાગ્યા હતાં.

મંચ પર જતાં પહેલાં કેટલાંક ભારતીય બાળક બંને નેતાઓના આગેવાની માટે પરંપરાગત કપડાંમાં ઉભા જોવા મળ્યાં હતાં. નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ બધાં બાળકો સામે હસતાં-હસતાં જોઈ આગળ વધી રહ્યાં હતાં. નરેન્દ્ર મોદી ટ્રમ્પનો હાથ પકડી હજુ આગળ વધી રહ્યા હતા ત્યારે ટ્રમ્પે એક છોકરાના હાથમાં મોબાઈલ જોયો અને તેઓ ઉભા થઈ ગયા હતાં. તેમણે છોકરાને કંઈક પૂછ્યું પણ હતું.

ટ્રમ્પને થોભેલા જોઈ પીએમ મોદી પણ ઉભા થઈ ગયા હતાં અને તેમની પાસે આવી ગયા હતાં. જોકે સફેદ ડ્રેસ પહેરેલ છોકરો પીએમ મોદી અને ટ્રમ્પની સાથે સેલ્ફી લેવા માંગતો હતો. બંને નેતા આ વાત માટે ખુશી-ખુશી તૈયાર થઈ ગયા હતાં. મોદી અને ટ્રમ્પે આ છોકરાની સાથે સેલ્ફી પણ લીધી હતી. સેલ્ફી લીધા બાદ પીએમ મોદીએ બાળકની પીઠ થપથપાવી જ્યારે ટ્રમ્પે તેની સાથે હાથ મિલાવીને આગળ ચાલવા લાગ્યા હતાં.

મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, આ 9 વર્ષના છોકરાનું નામ સાત્વિક હેગડે છે અને તેના માતા-પિતાનું નામ પ્રભાકર હેગડે અને મેધા હેગડે છે. સાત્વિક કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાનો રહેવાસી છે. સાત્વિક યોગા કાર્યક્રમમાં સામેલ થયો હતો.