ટ્રમ્પે વીડિયો સંદેશમાં કહ્યું, કેપિટોલ પર થયેલા હુમલાથી બધા ભયભીત હતા. રાજકીય હિંસા અમેરિકનો પર દરેક બાજુથી કરવામાં આવેલો હુમલો છે. જેને ક્યારેય સાંખી લેવાય નહીં. ટ્રમ્પે વિદાય ભાષણમાં કોરોના વાયરસનો પણ ઉલ્લેખ કરી કહ્યું, ચીન સાથે અમારી અનેક વ્યૂહાત્મક રણનીતિ હતી. આપણા વેપારી સંબંધ ઝડપથી બદલાઈ રહ્યા હતા અને અમેરિકામાં અબજો રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું હતું. પરંતુ કોરોના વાયરસે આપણને અલગ દિશામાં લઈ જવા મજબૂર કર્યા.
તેમણે કહ્યું, આપણે બધાને અમેરિકાને ફરીથી મહાન બનાવવા માટે એક મિશન શરૂ કર્યું. આપણે વિશ્વના ઈતિહાસમાં સૌથી મોટી અર્થવ્યવસ્થાનું નિર્માણ કર્યું. જેમણે કોઈ નવી લડાઈ શરૂ ન કરી હોય તેવા રાષ્ટ્રપતિ હોવાનો મને ગર્વ છે.
ફેરવેલમાં ટ્રમ્પે પત્ની મેલાનિયા અને પરિવારનો પણ સમર્થન માટે આભાર માન્યો હતો. તેમણે આગામી રાષ્ટ્રપતિ બાઇડેનને સફળતાની શુભકામના પાઠવી કહ્યું, હવે આપણે નવા પ્રશાસનનું સ્વાગત કરીએ છીએ અને અમેરિકાને સુરક્ષિત તથા સમૃદ્ધ બનાવવા પ્રાર્થના કરીએ છીએ.