નવી દિલ્હી: અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સમય પ્રમાણે રાત્રે 10 કલાકની આસપાસ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી હતી. જેમાં તેમણે કહ્યું, હું જ્યાં સુધી રાષ્ટ્રપતિ છું ત્યાં સુધી પરમાણુ હથિયાર રાખવાની મંજૂરી નહીં આપું.


અમે ઈરાન પર નવા પ્રતિબંધ લગાવીશું. સુલેમાનીને તો પહેલા જ મારી દેવો જોઈતો હતો. તે અમેરિકા પર હુમલો કરવાની ફિરાકમાં હતો. આભારના બદલે તેઓ ડેથ ટુ અમેરિકા બોલી રહ્યા છે. મિડલ ઈસ્ટમાં શાંતી રહે તે જરૂરી છે.

ડોનાલ્ડ ટ્રંપે કહ્યું કે ઈરાન નરમ થતું નજર આવી રહ્યું છે. જે તમામ પક્ષો માટે સારી વાત છે. સાથે ટ્રંપે ઈરાન પર આકરા આર્થિક પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. ઈરાન જ્યાં સુધી આતંકવાદ ભડકાવતું રહેશે પશ્ચિમ એશિયામાં ત્યાં સુધી શાંતિ કાયમ રહી શકે નહીં

ઈરાન દ્વારા ગઈકાલે કરવામાં આવેલા હુમલામાં કોઈપણ અમેરિકનને નુકશાન થયું નથી. અમારા તમામ સૈનિકો સુરક્ષિત છે. માત્ર અમારા સૈન્ય ઠેકાણાને થોડું નુકસાન થયું છે. ટ્રંપે કહ્યું કે ઈરાનને ક્યારેય પરમાણું હથિયાર મેળવવા નહીં દઈએ. અમારી પાસે હાઈપર સોનિક મિસાઈલ છે. તેમણે કહ્યું ઈરાન વિરુદ્ધ ચીન, રશિયા, ફ્રાન્સ અને બ્રિટને અમેરિકાનો સાથ આપવો જોઈએ. તેમણે કહ્યું ઈરાની કમાન્ડર જનરલ કાસિમ સુલેમાની અમેરિકા વિરુદ્ધ મોટું ષડયંત્ર રચી રહ્યાં હતા. તેમણે કહ્યું કે અમે બગદાદીને પણ માર્યો હતો.

 


અમેરિકાના હુમલા બાદ ઈરાન અમેરિકના સૈન્ય એરબેઝ પર 22 મિસાઈલો છોડી હોવાનો દાવો કર્યો છે. આ હુમલામાં 80 લોકો માર્યાં ગયા છે. આ હુમલા બાદ ઈરાને એ પણ કહ્યું હતું કે, અમેરિકા જો કાર્યવાહી કરશે તો પછી સમગ્ર પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ જોવા મળશે. ઈરાકમાં અમેરિકી સૈન્ય એરબેઝ પર હુમલા બાદ ઈરાને દાવો કર્યો છે કે, આ હુમલામાં ઓછામાં ઓછા 80 લોકો માર્યાં ગયા છે. જોકે અમેરિકા તરફ આ અંગે કોઈ પૃષ્ટિ કરવામાં આવી નથી.

ઈરાનના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો છે. ઈરાને સુલેમાનીના મોતનો બદલો લેવાની ધમકી આપી હતી તો અમેરિકા પણ પાછળ હટીશું નહીં તેમ કહ્યું હતું. આ પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના 52 ઠેકાણાંને નિશાન બનાવાની ધમકી આપી હતી.

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ પણ 52ના બદલે 290ની વાત કહી હતી. રૂહાનીએ કહ્યું હતું કે, જે લોકો 52ની વાત કહી રહ્યા છે તેમણે 290 પણ યાદ રાખવા જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના 52 ઠેકાણા પર નિશાન તાકવાની વાત કહી હતી તેના બદલામાં રૂહાનીએ તેમને જુલાઇ 1988ની ઘટના યાદ અપાવી જ્યારે યુએસ વોરશિપે ઈરાની પેસેન્જર વિમાન પર હુમલો કર્યો હતો જેમાં 290 લોકોનાં મોત થયા હતા.