Joe Biden: અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના વર્તમાન પ્રમુખ જો બાઇડેને આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તે હવે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે તેવી વાત સામે આવી છે. આ વાતની પુષ્ટિ ખુદ વર્તમાન રાષ્ટ્રપતિએ કરી છે. તેમણે પત્ર લખીને આની જાહેરાત કરી છે. આ સાથે બાઇડેન આવતા અઠવાડિયે રાષ્ટ્રને સંબોધન પણ કરશે.


ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે શું બિડેન રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે? આ પ્રશ્નને લઈને ઘણી અટકળો ચાલી રહી હતી. તેમની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વિશે એવી પણ ચર્ચા હતી કે તેઓ સ્વાસ્થ્યના કારણોસર રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકશે નહીં અને રવિવારે આ અટકળોનો આખરે અંત આવ્યો જ્યારે બિડેને પોતે આ વિશે જાહેરાત કરી.






ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ડિબેટ પછી ચર્ચા બની હતી પ્રબળ


તાજેતરની પ્રેસિડેન્શિયલ ડિબેટમાં, ડોનાલ્ડ ટ્રમ્પ જો બાઇડેન પર ભારે પડતાં જોવા મળ્યા હતા. જે બાદ જો બાઇડેનના સ્વાસ્થ્ય અને ખરાબ પ્રદર્શનને લઈને સવાલો ઉઠવા લાગ્યા હતા. હવે બાઇડેન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની રેસમાંથી ખસી જવાની જાહેરાત કરી છે. ન્યૂયોર્ક ટાઈમ્સે પોતાના અહેવાલ મુજબ, બાઇડેનનેપણ લાગવા લાગ્યું કે તેઓ નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી જીતવા માટે સક્ષમ નથી.


કમલા હેરિસ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બની શકે છે


બે દિવસ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ કહ્યું હતું કે આ વખતે બિડેનની જીતની શક્યતા ઘણી ઓછી છે. વોશિંગ્ટન પોસ્ટે પોતાના અહેવાલમાં એમ પણ કહ્યું છે કે બિડેન ક્યારેય એવી જાહેરાત ન કરી શકે કે તેઓ ચૂંટણી નહીં લડે. તે જ સમયે, જો બાડેન ચૂંટણી નહીં લડે તો સૌથી મજબૂત દાવેદાર કમલા હેરિસ છે. આવી સ્થિતિમાં, તે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બને તેવી પૂરી સંભાવના છે.


ટ્રમ્પને ગોળીબારનો લાભ મળશે


તાજેતરમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો થયો હતો. અમેરિકાના રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે તેના કારણે અમેરિકન લોકોના મત સહાનુભૂતિના રૂપમાં ટ્રમ્પના ખોળામાં આવી શકે છે. તેથી જ બિડેનની જીતવાની તકો ઘણી ઓછી થઈ ગઈ છે.