US Presidential Election: રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. કોલોરાડો રાજ્યની મુખ્ય અદાલતે મંગળવારે કેપિટલ હિંસા કેસમાં ટ્રમ્પને યુએસ બંધારણ હેઠળ રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય જાહેર કર્યા છે. કોર્ટે રિપબ્લિકન પાર્ટી તરફથી વ્હાઈટ હાઉસની રેસમા સામેલ રિપબ્લિકન પાર્ટીના મુખ્ય દાવેદાર ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ માટેના રાજ્યના પ્રાથમિક મતદાનમાંથી દૂર કર્યા છે.
અમેરિકાના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે 14મા સુધારાની કલમ 3નો ઉપયોગ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ગેરલાયક ઠેરવવા માટે કરવામાં આવ્યો છે. કોલોરાડો હાઈકોર્ટે તેના 4-3 બહુમતી નિર્ણયમાં કહ્યું કે, મોટાભાગની કોર્ટ માને છે કે ટ્રમ્પ 14મા સુધારાની કલમ 3 હેઠળ રાષ્ટ્રપતિ પદ સંભાળવા માટે અયોગ્ય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્રમ્પ વિરુદ્ધ ચુકાદો આપનાર કોર્ટના તમામ જજોની નિમણૂક ડેમોક્રેટિક પાર્ટીના ગવર્નરો દ્વારા કરવામાં આવી હતી.
જિલ્લા અદાલતના ન્યાયાધીશના નિર્ણયને પલટી નાખ્યો
કોલોરાડો સ્ટેટની હાઈકોર્ટે ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજના નિર્ણયને પલટીને આ આદેશ આપ્યો હતો. નીચલી અદાલતે કહ્યું હતું કે ટ્રમ્પે 6 જાન્યુઆરી, 2021ના રોજ કેપિટલ (યુએસ સંસદ) પર હુમલા માટે ટોળાને હિંસા માટે ઉશ્કેર્યા હતા. પરંતુ ટ્રમ્પને રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાથી રોકી શકાય નહીં કારણ કે તે સ્પષ્ટ નથી કે બંધારણની તે કલમ રાષ્ટ્રપતિ પદને આવરી લે છે કે કેમ.
હાઈકોર્ટે તેના નિર્ણય પર 4 જાન્યુઆરી સુધી અથવા યુએસ સુપ્રીમ કોર્ટ આ મામલે નિર્ણય ન કરે ત્યાં સુધી સ્ટે આપ્યો હતો. આ નિર્ણય સાથે હવે યુએસ સુપ્રીમ કોર્ટ માટે એ નિર્ણય લેવો પડકારરૂપ બનશે કે શું ટ્રમ્પ રિપબ્લિકન પક્ષ તરફથી નોમિનેશનની રેસમાં રહી શકે છે.
કોલોરાડોની અદાલતે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણના 14મા સુધારાની કલમ 3 હેઠળ રાષ્ટ્રપતિ પદ સંભાળવા માટે અયોગ્ય છે.
કોલોરાડોના છ મતદારોના જૂથે સપ્ટેમ્બરમાં 2024 માં ટ્રમ્પને રાજ્યમાં મતદાનમાં સામેલ થવાથી રોકવા માટે કેસ દાખલ કર્યો હતો. જેમાં દાવો કર્યો હતો કે તેઓ બંધારણીય જોગવાઈ દ્વારા પ્રતિબંધિત છે. કલમ 3 હેઠળ 'કોઈ વ્યક્તિ' યુનાઇટેડ સ્ટેટ્સના અધિકારી તરીકે કામ કરશે નહીં જેણે અગાઉ ફેડરલ ઓફિસના શપથ લીધા હોય, યુનાઇટેડ સ્ટેટ્સ સામે 'બળવો અથવા રાજદ્રોહમાં સામેલ' હોય. કેસમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રમ્પે તેમના સમર્થકોના ટોળાને યુએસ કેપિટલમાં તોફાનો કરવા માટે ઉશ્કરવામાં આવ્યા હતા જે બળવાનું કૃત્ય હતું.