વોશિંગ્ટનઃ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે અને શરૂઆતના પરિણામોમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તથા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં આગળ નિકળી ગયા છે. છેલ્લા પ્રાપ્ત પરિણામો પ્રમાણે જો બિડેનને 209 જ્યારે ટ્રમ્પને 118 ઈલેક્ટોરલ મત મળ્યા છે.

અમેરિકામાં પ્રમુખની ચૂંટણીમાં પરિણામો કઈ રીતે નક્કી થાય છે તે અંગે ભારતમાં બહુમતી લોકોને ખબર નથી. આ ચૂંટણી પ્રક્રિયાને સમજવી જરૂરી છે કેમ કે ભારત કરતાં આ પ્રક્રિયા અલગ છે.

અમેરિકામાં ઈલેક્ટોરલ કોલેજમાં મળેલા મતોના આધારે વિજેતી નક્કી થાય છે.અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટેની ઈલેક્ટોરલ કોલેજમાં કુલ 538 મત છે. જે ઉમેદવારને સ્પષ્ટ બહુમતી માટે જરૂરી 270 મત મળે તે પ્રમુખ તરીકે જીતે છે.

અમેરિકામાં કુલ 50 સ્ટેટ અને રાજધાની વોશિંગ્ટન ડી.સી. (ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા) મળીને 51 વિસ્તારોમાં 538 ઈલેક્ટોરલ મત વહેંચાયેલા છે. દરેક સ્ટેટને 2010ની વસતી ગણતરીના આધારે વસતીના પ્રમાણમાં ઈલેક્ટોરલ મતો ફાળવાયા છે. પ્રમુખપદની ચૂંટણીમાં મતદારો મતદાન કરે ત્યારે પ્રમુખપદના ઉમેદવારોમાંથી કોઈ એક ઉમેદવારને મત આપે છે. આ મતોની ગણતરી થાય ને તેમાં જે ઉમેદવાર જે તે સ્ટેટમાં લોકોના મત વધારે મેળવીને જીતે તેના ખાતામાં સ્ટેટના તમામ ઈલેક્ટોરલ મત જાય છે.

ઈલેક્ટોરલ કોલેજમાં કેલિફોર્નિયા સ્ટેટના 55 મત છે. બાઈડન અને ટ્રમ્પમાંથી કેલિફોર્નિયામાં બાઈડનને વધારે મત મળ્યા તેથી આ સ્ટેટના તમામ 55 ઈલેક્ટોરલ મત બાઈડનના ખાતામાં ગયા. એ જ રીતે ટેનેસીમાં ટ્રમ્પને બહુમતી મળી તો તેના 11 ઈલેક્ટોરલ મત ટ્રમ્પને મળ્યા. આ રીતે દરેક ઉમેદવારને મળેલા વિજયના આધારે ઈલેક્ટોરલ મત કોના ખાતામાં ગયા એ નક્કી થતું જાય. તેનો સરવાળો થતો જાય ને જે ઉમેદવાર 270 ઈલેક્ટોરલ મત લઈ જાય એ જીતી જાય. નેબ્રાસ્કા અને મરીન એ બે સ્ટેટને બાદ કરતાં બધા સ્ટેટમાં આ રીતે સ્ટેટના તમામ ઈલેક્ટોરલ મત સૌથી વધારે સીધા મત મેળવનારને મળે તેવી વ્યવસ્થા છે.