નવી દિલ્હી : કોરોના મહામારી સામે લડવા વિશ્વભરની નજર હવે કોરોના રસી પર ટકી છે. આ દરમિયાન અનેક દેશોએ સામૂહિક રસીકરણની તૈયારી કરી લધી છે. ત્યારે હવે આ મહામારી સામે લડવા બ્રિટન, બેહરીન બાદ કેનેડાએ પણ ફાઈઝરની કોરોના વેક્સીનને મંજૂરી આપી દીધી છે. હવે સમગ્ર કેનેડામાં ફાઈઝરની વેક્સીનની ડિલિવરી કરવામાં આવશે અને રસીકરણ કરવામાં આવશે.

કેનેડાના સ્વાસ્થ્ય વિભાગે એક નિવેદનમાં કહ્યું કે, કેનેડાના લોકો વિશ્વાસ કરી શકે છે કે, જે અમારી પાસે મજબૂત દેખરેખની વ્યવસ્થા છે. તેના દ્વારા સખત સમીક્ષા પ્રક્રિયા કરવામાં આવી છે. વેક્સીન બજારમાં આવતાની સાથે જ હેલ્થ કેનેડા અને પબ્લિક હેલ્થ એજન્સી ઓફ કેનેડા ખૂબજ બારીકાઈથી દેખરેખ કરશે અને જો કોઈ ચિંતાની વાત આવશે તો તેની સામે પગલા લેવામાં ખચકાશે નહીં


કેનેડામાં આ મહિને જ પાંચ લાખ 49 હજાર વેક્સીના ડોઝ મળી જશે અને માર્ચ સુધી 40 લાખ વેક્સીનના ડોઝ ઉપલબ્ધ કરાશે. સ્વાસ્થય વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે, વેક્સીન હાલમાં 16 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવશે, પરંતુ ફાઈઝર અને બાયોએનટેક તરફથી તમામ વર્ગના ઉંમરના બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે અને તે બદલાઈ પણ શકે છે.

બીજી તરફ ફાઈઝરે પોતાની વેક્સીની કિંમતને લઈને પણ મોટી જાહેરાત કરી દીધી છે, ફાઈઝરે કહ્યું કે, વિવિધ દેશોમાં વેક્સીનની અલગ અલગ કિંમત રહેશે. ફાર્મા ક્ષેત્રની દિગ્ગજ કંપની ફાઈઝરે કહ્યું કે, દુનિયાના વિવિધ દેશોમાં વેક્સીનની કિંમત અલગ અલગ હશે. કંપનીનો ઈચ્છા છે કે, રસીને દુનિયાભરમાં ઉપલબ્ધ કરાવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, કંપનીએ ભારતમાં પણ ડીજીસીઆઈ પાસે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી છે. બ્રિટનમાં રસીને મંજૂરી બાદ ફાઈઝર અને બાયોનટેકને આગામી દિવસોમાં અન્ય દેશમાં પણ રસીને મંજૂરી મળે તેવી આશા છે.

આ પહેલા 2 ડિસેમ્બરે બ્રિટને ફાઈઝર-બાયોએનટેકની કોવિડ-19 રસીને મંજૂરી આપી દીધી છે. રસીને મંજૂરી આપનાર બ્રિટન પ્રથમ દેશ છે. બ્રિટનમાં સોમવારથી સામાન્ય લોકોને કોરોના રસી આપવામાં આવી રહી છે.