નવી દિલ્હીઃ કોરોના મહામારીના કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવાની કામગીરી ચાલી રહી છે. વંદે ભારત મિશન-2 હેઠળ 16 મેથી વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત એર ઈન્ડિયા 31 દેશોમાં 149 ફ્લાઇટ્સ મોકલશે અને ભારતીયોને સ્વદેશ પરત લાવશે.


લંડન(યુકે)માં ભારતના હાઈ કમિશ્નરે જણાવ્યું કે, વંદે ભારત મિશનના બીજા તબક્કા અંતર્ગત ફ્લાઇટનું શિડ્યૂલ તૈયાર થઈ ગયું છે. હાઈ કમિશન દ્વારા ભારતીય પાસપોર્ટ ધારકોનો તેમના અગ્રતાક્રમ મુજબ સંપર્ક કરવામાં આવશે. લંડનથી અમદાવાદની ફ્લાઇટ 23 મેના રોજ આવશે. બપોરે 1.15 કલાકે ફ્લાઇટ આવશે. અમદાવાદથી ફ્લાઇટ ઇન્દોર જશે.


બીજા તબક્કામાં એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ લંડન, જર્મની, ફ્રાન્સ, આયર્લેન્ડ, ફિલિપાઈન્સ, સિંગાપોર, ઈટાલી, થાઈલેન્ડ, કુવૈત, કિર્ગિસ્તાન સહિતના અનેક દેશોમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવશે.

વંદે ભારત મિશનના પ્રથમ તબક્કાના પાંચ જ દિવસમાં 31 ફ્લાઇટ્સની મદદથી 6000થી વધારે ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવામાં આવ્યા છે.