Sanna Marin New Zealand Visit:ફિનલેન્ડના કોઈ વડાપ્રધાન ન્યુઝીલેન્ડની મુલાકાતે ગયા હોય અને ત્યાંની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપવામાં આવેલા સવાલોના જવાબો આપ્યા હોય તેવું આવું પહેલીવાર બન્યું હતું. આ સવાલોના જવાનો વાયરલ થયા હતાં. PM જેસિન્ડા આર્ડર્ન કે જેઓ 2017થી ન્યૂઝીલેન્ડની કમાન સંભાળી રહ્યા છે તેમણે ઓકલેન્ડમાં ફિનલેન્ડના PM સન્ના મરીનનું સ્વાગત કર્યું હતું.
એક સંયુક્ત નિવેદનમાં બંને મહિલા વડા પ્રધાનોએ કહ્યું હતું કે, તેઓએ યુક્રેનની સાર્વભૌમત્વ, જળવાયુ પરિવર્તન અને ઈરાનમાં છોકરીઓ અને મહિલાઓને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પરંતુ બંને મહિલા નેતાઓ ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા હતા જ્યારે એક પત્રકારે તેમને કહ્યું હતું કે, કદાચ તેઓ એકબીજાને એટલા માટે મળી રહ્યાં છે કારણ કે, તેઓ એક જ ઉંમરના છે. આર્ડર્ને કહ્યું હતું કે, રાજકારણમાં પુરુષોની સંખ્યા વધુ છે. આ એક હકીકત છે. પરંતુ બે નેતાઓની મુલાકાત થવી એનું કારણ એ નથી કે તે બંન્ને મહિલાઓ છે.
આ પ્રશ્ન પત્રકારે કર્યો હતો
ન્યૂઝીલેન્ડના ટોક-રેડિયો સ્ટેશન ન્યૂઝટૉક ઝેડબીના એક રિપોર્ટરે બંને મહિલા નેતાઓને પૂછ્યું હતું કે, ઘણા લોકો એવું વિચારે છે કે તમે બંને એટલા માટે બેઠક કરી રહ્યા છો કારણ કે બંને એક જ ઉંમરના છો અને બંનેના વિચારો પણ એકબીજાને મળતા આવે છે. જ્યારે રાજકારણ અને અન્ય બાબતોની વાત કરીએ તો શું ન્યુઝીલેન્ડના લોકો એ અપેક્ષા રાખી શકે છે કે ભવિષ્યમાં બંને દેશો વચ્ચે સંબંધો વધુ સમજૂત બનશે.
આ સવાલનો વીડિયો ટ્વિટર પર અત્યાર સુધીમાં 15 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. જવાબમાં આર્ડર્ને કહ્યું હતું કે, મારો પહેલો પ્રશ્ન એ છે કે શું કોઈએ ક્યારેય એ સવાલ કર્યો છે કે શું બરાક ઓબામા અને જ્હોન કી એક જ સરખી ઉંમરના હોવાના કારણે એકબીજાને મળતા હતાં?
વિશ્વના 13 દેશોની પ્રમુખ મહિલાઓ
જોન કી ન્યૂઝીલેન્ડના પૂર્વ વડાપ્રધાન હતા અને તેમના કાર્યકાળ દરમિયાન તેઓ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ઘણી વખત મળ્યા હતા. પદ છોડ્યા બાદ પણ તેઓ એક વખત સાથે ગોલ્ફ રમતા જોવા મળ્યા હતા. યુએન વુમન અનુસાર, દુનિયાના 13 દેશોની અગ્રણી મહિલાઓ છે. 1997 માં પ્રથમ મહિલા વડાપ્રધાને ન્યુઝીલેન્ડમાં પદ સંભાળ્યું. જ્યારે વર્ષ 2000માં ફિનલેન્ડને પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ મળી હતી. 42 વર્ષના આર્ડર્ન અને 37 વર્ષના મારિન બંને દેશો વચ્ચેની વર્તમાન અને સંભવિત ભાગીદારીને બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગણાવ્યો હતો.
સાન્ના મારિને ફિનલેન્ડના ટેક્નોલોજી સંસાધનોને નવીનિકરણમાં ખાસ રસ દાખવ્યો હતો જ્યારે આર્ડેર્ને દરેક દેશની સંબંધિત નિકાસમાં મોટા પ્રમાણમાં ક્ષમતાનો હવાલો આપ્યો હતો. મરીને કહ્યું હતું કે, અમે બંને એટલા માટે મળ્યા છીએ કારણ કે અમે વડાપ્રધાન છીએ. અમારી વચ્ચે ઘણી બધી બાબતો સમાન છે સાથે ઘણી એવી વસ્તુઓ પણ છે જે આપણે સાથે મળીને કરી શકીએ છીએ.