નવી દિલ્હીઃ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દુનિયાભરમાં પાકિસ્તાન અલગ પડી ગયુ છે. હવે અમેરિકાએ એક મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાએ તેમના દેશમાં આવનારા પાકિસ્તાની નાગરિકોને મળનારા વિઝાની સમયમર્યાદા ઘટાડી દીધી છે. પહેલા પાકિસ્તાની નાગરિકોને જે 5 વર્ષનો વિઝા મળતો હતો, તેની અવધિ હવે ઘટાડીને 12 મહિના કરી દેવામાં આવી છે.




પાકિસ્તાની અખબાર ધ ટ્રિબ્યૂન અનુસાર, પાકિસ્તાનમાં હાજર અમેરિકન રાજદૂતે આ વાતની સૂચના સરકારને આપી દીધી છે. રિપોર્ટ અનુસાર, નવા નિયમોમાં પાકિસ્તાની પત્રકાર અને મીડિયાપર્સન માટે વધારે મુશ્કેલ છે, તેમને મળનારા વિઝાની સમયમર્યાદા ત્રણ મહિના કરી દેવામાં આવી છે.


એટલું જ નહીં અમેરિકાએ વિઝાની અવધિ ઘટાડવાની સાથે સાથે વિઝા માટે આપવામાં આવતી ફી પણ વધારી દીધી છે. એટલે કે હવે કોઇ પાકિસ્તાન નાગરિક અમેરિકામાં રહેવા માગે છે તો તે એકવારમાં 12 મહિનાથી વધુ સમય સુધી ત્યાં નથી રહી શકતો, જો તેને વધારે સમય ત્યાં રહેવું હોય તો પાછુ પાકિસ્તાન આવવું પડશે અને વિઝાને રિન્યૂ કરાવવો પડશે.

નવા આદેશ અનુસાર, વર્ક વિઝા, જર્નલિસ્ટ વિઝા, ટ્રાન્સફર વિઝા, ધાર્મિક વિઝા માટે ફીમાં વધારો કરવામાં આવ્યો છે. આ માટે જે વિઝા હાલમાં છે તેમાં 32 થી 38 ડૉલર સુધીનો વધારો કરવામાં આવ્યો છે.