નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી જનરલ (નિવૃત્ત) વી.કે. સિંહ બુધવારે પોલેન્ડ-યુક્રેન સરહદ પર બુડોમિર્ઝની મુલાકાત લીધી જ્યાં તેઓ ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને મળ્યા હતા અને  અને તેમને ભોજન અને પાણીનું વિતરણ કર્યું હતું. આ વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં પોલેન્ડમાં પ્રવેશ આપવામાં આવશે જ્યાંથી તેઓને ભારત મોકલવામાં આવશે.






વીકે સિંહે ટ્વીટ કર્યું


પોલેન્ડ સરહદ પર ભારતીય વિદ્યાર્થીઓને મળ્યા બાદ સિંહે ટ્વિટ કરી જણાવ્યું હતુ કે તેઓ થાકી ગયા છે પરંતુ વિદ્યાર્થીઓને રાહત છે કે તેમને તેમના વતન પરત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સિંહે ટ્વીટમાં જણાવ્યું કે 'એ કહ્યા વિના કહી શકાય કે વિદ્યાર્થીઓનું મનોબળ ઊંચું છે અને હું તેમની ધીરજથી પ્રભાવિત છું, જય હિંદ.'


સરકાર દ્ધારા યુક્રેનમાંથી  ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવા માટે જે ચાર મંત્રીઓને યુક્રેનના પાડોશી દેશોમાં મોકલવામાં આવ્યા છે તેમાં વિકે સિંહનો પણ સમાવેશ થાય છે. સિંહ અને પોલેન્ડમાં ભારતના રાજદૂત નગમા મલિક પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે બુડોમિર્ઝની મુલાકાતે ગયા હતા.વોર્સો (પોલેન્ડ)માં ભારતીય દૂતાવાસના અધિકારીઓએ પશ્ચિમ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે પોલેન્ડ સરહદ પર એક નવો એન્ટ્રી પોઈન્ટ બનાવ્યો છે.


દૂતાવાસના અધિકારીઓએ જણાવ્યું હતું કે લવિવ, ટેરનોપિલ અને પશ્ચિમ યુક્રેનના અન્ય સ્થળોએ ફસાયેલા અથવા રહેતા વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકો પોલેન્ડમાં ઝડપી પ્રવેશ માટે વહેલામાં વહેલી તકે બુડોમિર્ઝ બોર્ડર ચેક-પોઇન્ટ પર પહોંચી જાય. વૈકલ્પિક રીતે તેઓને હંગેરી અથવા રોમાનિયા માટે દક્ષિણ તરફ જવાની સલાહ આપવામાં આવી છે.  અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય નાગરિકોને શેહિની-મેડિકા સરહદ પાર ન કરવાની સલાહ પણ આપવામાં આવી છે.


ભારતીય દૂતાવાસે તેના અધિકારીઓને મેડિકા અને બુડોમિર્ઝ સરહદી ચોકીઓ પર તૈનાત કર્યા છે જેથી તમામ સ્થળાંતર કરનારાઓને મળી શકાય અને ભારત પરત લાવી શકાય. દરમિયાન, સરકારના અન્ય વિશેષ દૂત કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુ ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે યુક્રેનની સરહદ નજીક સ્લોવાકિયાના કોસિસે પહોંચ્યા હતા.


યુક્રેનમાં ફસાયેલા ભારતીયોઓને લાવવા મોદી સરકારે શરૂ કર્યુ ઓપરેશન ગંગા


સ્લોવાકિયામાં ભારતના રાજદૂત વનલાલહુમા અને બ્રુસેલ્સમાં ભારતીય દૂતાવાસના પ્રથમ સચિવ પંકજ ફુકન પણ 'ઓપરેશન ગંગા' હેઠળ સ્થળાંતર મિશનની સરળ બનાવવા માટે ત્યાં પહોંચ્યા હતા.