Russian President India Visit: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતમાં યોજાનારી G-20 સમિટમાં ભાગ લઈ શકે છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરાઇ નથી. જ્યારે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવને પૂછવામાં આવ્યું કે શું સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાનારી સમિટમાં પુતિનની ભાગીદારી પર વિચાર કરવામાં આવી રહ્યો છે, તો તેમણે કહ્યું કે તેને નકારી શકાય નહીં.
પેસ્કોવને ટાંકીને ન્યૂઝ એજન્સી તાસે કહ્યું કે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પેસ્કોવે જણાવ્યું હતું કે રશિયા G20માં તેની ભાગીદારી ચાલુ રાખી છે, અમે તેને આગળ પણ ચાલુ રાખવાનો ઇરાદો ધરાવીએ છીએ. ગયા વર્ષે ઇન્ડોનેશિયાના બાલીમાં G20 નેતાઓના ફોરમમાં રશિયન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવ દ્વારા કરવામાં આવ્યું હતું. 2020 અને 2021 માં પુતિને વીડિયો લિંક દ્વારા G20 સમિટમાં હાજરી આપી હતી.
G-20 જૂથમાં કયા દેશોનો સમાવેશ થાય છે?
G20 સમિટમાં ભાગ લેવા માટે ભારતે રશિયન રાષ્ટ્રપતિને ઔપચારિક આમંત્રણ આપ્યું છે. સાથે જ ક્રેમલિને પણ તેનો સ્વીકાર કર્યો છે. નવી દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે G20 લીડર્સ સમિટ યોજાવા જઈ રહી છે. તે વિશ્વની મુખ્ય વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓ માટે એક મંચ છે. G-20 દેશોના જૂથમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયન (EU) નો સમાવેશ થાય છે.
યુક્રેન વિવાદને લઈને આ બેઠક યોજાઈ હતી
આ મહિનાની શરૂઆતમાં, વિદેશ પ્રધાન લવરોવે નવી દિલ્હીમાં G20 વિદેશ પ્રધાનોની બે દિવસીય બેઠકમાં ભાગ લીધો હતો. યુક્રેન વિવાદ પર પશ્ચિમી શક્તિઓ સાથે વધી રહેલા સંઘર્ષ અને આ મુદ્દે ભારતની રાજદ્વારી કડકતા વચ્ચે આ બેઠક થઈ હતી. અમેરિકી વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકન, ફ્રાન્સના વિદેશ મંત્રી કેથરીન કોલોના, ચીનના વિદેશ મંત્રી કિન ગેંગ, જર્મનીના અન્નાલેના બેયરબોક અને બ્રિટિશ વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલીએ પણ આ બેઠકમાં હાજરી આપી હતી.