Joe Biden: યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન પોતાની ભૂલોને કારણે અવારનવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ત્યારે હવે જો બાઈડન ફરીથી પોતાની એક આવી જ ભુલના કારણે ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં એક ભાષણ દરમિયાન જો બાઈડને અમેરિકાનું એક શબ્દમાં વર્ણન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ આ દરમિયાન તેમની જીભ લપસી ગઈ અને તેઓ શું બોલ્યા એ કંઈ ખબર જ ના પડી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


ગુરુવારે, કિમ ડોટકોમ (Kim Dotcom) નામના એક ટ્વીટર યુઝરે  ટ્વિટર પર એક ક્લિપ શેર કરી હતી, જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન રાષ્ટ્રને સંબોધિત કરતા જોવા મળે છે. તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ જોવા મળી રહ્યા છે. ક્લિપમાં, બાઈડને કહે છે કે, "અમેરિકા એક એવું રાષ્ટ્ર છે જેને એક શબ્દમાં વ્યાખ્યાયિત કરી શકાય છે." આ એક શબ્દ બોલતા, બાઈડન કંઈક આવો શબ્દ બોલે છે - "અસુફુતિમાહેહફુતબ્વ" (Asufutimaehaehfutbw)


વીડિયો થયો વાયરલઃ
આ વીડિયોએ યુઝર્સને ચોંકાવી દીધા છે. ટ્વિટર પર આ વીડિયોને 4.8 મિલિયન (48,00,000) વ્યુઝ અને કલાકોમાં 51,000 થી વધુ લાઈક્સ મળી છે. અત્યાર સુધીમાં લગભગ 11,000 યુઝર્સે આ પોસ્ટને રીટ્વીટ કરી છે. યુઝર્સ યુએસ પ્રેસિડેન્ટ વિશે ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે.




જાહેરમાં બોલતી વખતે બાઈડને ભૂલ કરી હોય તેવી આ પહેલી ઘટના નથી. અગાઉ તેમણે કમલા હેરિસનો ઉલ્લેખ 'ફર્સ્ટ લેડી' તરીકે કર્યો હતો. બાઈડેન પ્રેક્ષકોને સમજાવી રહ્યા હતા કે હેરિસના પતિ, ડગ એમહોફ, જેઓ COVID-19 થી પીડિત હતા, વ્હાઇટ હાઉસ દ્વારા આયોજિત "સમાન વેતન દિવસ" કાર્યક્રમમાં કેમ ગેરહાજર હતા. આ દરમિયાન બાઈડને કમલા હેરિસને 'ફર્સ્ટ લેડી' તરીકે બોલાવ્યા હતા.