Israel: ઇઝરાયલ છેલ્લા બે દિવસથી લેબનાન પર હુમલામાં વ્યસ્ત છે. છેલ્લા બે દિવસમાં ઈઝરાયલે પેજર, વોકી-ટોકી, લેપટોપ, સોલાર પેનલ અને રેડિયો સહિત વિવિધ પ્રકારના ઈલેક્ટ્રોનિક ડિવાઇસને હથિયાર બનાવીને હિઝબુલ્લાને નિશાન બનાવ્યા છે. અત્યાર સુધી આ હુમલાઓ માટે ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદને જવાબદાર ગણવામાં આવતી હતી. પરંતુ હવે હુમલામાં ઈઝરાયલની યુનિટ 8200નું નામ પણ સામે આવી રહ્યું છે.
રોયટર્સે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ઓપરેશન લેબનાન માટે લગભગ એક વર્ષથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી. આ ઓપરેશનમાં યુનિટ 8200 ની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હતી. પેજર જે હિઝબુલ્લાહ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યા હતા. યુનિટ 8200એ તે પેજરમાં વિસ્ફોટક ફીટ કર્યું હોવાનો દાવો કરાઇ રહ્યો છે
યુનિટ 8200 શું છે?
યુનિટ 8200 એ ઇઝરાયલના સૌથી વધુ ઇન્ટેલિજન્સ અને હાઇ-ટેક લશ્કરી એકમોમાંનું એક છે. હાઈ-પ્રોફાઈલ ઈન્ટેલિજન્સ ઓપરેશન્સ અને સાયબર વોરફેરમાં આ યુનિટની ભૂમિકાને કારણે વૈશ્વિક સ્તરે તેની ખૂબ ચર્ચા થઈ છે.
યુનિટ 8200 વાસ્તવમાં ઇઝરાયલની આર્મીનો એક ભાગ છે, જેનું કામ ટેકનિકલ યુદ્ધ, ગુપ્તચર બેઠકો અને સાયબર સુરક્ષા સાથે સંબંધિત છે. તે ગુપ્ત માહિતી એકત્રિત કરે છે અને તે મુજબ વ્યૂહરચના બનાવીને કામ કરે છે. તેની ઘણી વખત અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (NSA) સાથે સરખામણી કરવામાં આવે છે. આ એકમ યુવાન સૈનિકોને હેકિંગ, એન્ક્રિપ્શન અને સર્વેલન્સ સહિત જટિલ ગુપ્તચર કાર્ય કરવા માટે પણ તાલીમ આપે છે.
આ યુનિટમાં ઈઝરાયલના શ્રેષ્ઠ સુરક્ષા કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. આ એકમ આઉટ ઓફ ધ બોક્સ વિચારવા, ટેકનિકલ એક્સપર્ટ્સ અને ઇનોવેશન માટે ઓળખાય છે. જે લોકોએ આ યુનિટમાં સેવા આપી હતી તેઓએ પાછળથી ઓર્કા સિક્યુરિટી જેવા ઇઝરાયલના હાઇ-ટેક ઉદ્યોગોના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
યુનિટ 8200 મુખ્ય કામગીરી
યુનિટ 8200 અનેક મોટા ઓપરેશન્સમાં સામેલ રહી છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમને નષ્ટ કરવામાં આ યુનિટની મોટી ભૂમિકા માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ યુનિટે સ્ટ્રક્સનેટ નામનો વાયરસ તૈયાર કર્યો હતો, જેનો ઉપયોગ કરીને આ યુનિટે ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. આ વાયરસ ન્યુક્લિયર પ્લાન્ટમાં સ્થાપિત સેન્ટ્રીફ્યુજને અંદરથી બાળી નાખતો હતો. ઈરાનને આ વિશે લાંબા સમય સુધી ખબર પડી ન હતી. આ સિવાય યુનિટ 8200એ 2018માં UAEથી ઓસ્ટ્રેલિયા જઈ રહેલા એક એરક્રાફ્ટને હાઈજેક થતા બચાવ્યું હતું.
હુમલો કેટલો ભયાનક હતો?
લેબનાન અને સીરિયામાં ફૂટેલા પેજર્સમાં બ્લાસ્ટ પહેલા થોડી સેકન્ડો માટે બીપનો અવાજ સંભળાયો હતો. કેટલાક પેજરના ખિસ્સામાં બ્લાસ્ટ થઈ ગયા જ્યારે કેટલાક લોકો બીપિંગનો અવાજ સાંભળીને તેમના ખિસ્સામાંથી અથવા બેગમાંથી પેજર કાઢતા જ બ્લાસ્ટ થઈ ગયા હતા. આ બ્લાસ્ટમાં એક નાની બાળકી સહિત 12 લોકોના મોત થયા હતા. વિસ્ફોટના કારણે 4000 લોકોને ગંભીર અથવા સામાન્ય ઘાયલ થયા હતા.