જોહન્સન એન્ડ જોહન્સનની સિંગલ ડોઝ કોરોના વેક્સિનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તાત્કાલિક ઉપયોગમાં લેવા માટે મંજૂરી આપી છે. આ મંજૂરી આપ્યા પછી હવે આંતરરાષ્ટ્રીય કોવેક્સ અભિયાન અંતર્ગત ગરીબ દેશોમાં સપ્લાઇ કરી શકાશે. જોહન્સન એન્ડ જોહન્સનની વેક્સિનની ખાસ વાત એ છે કે આના 2 ડોઝની જગ્યાએ દર્દીને 1 જ ડોઝની જરૂર પડે છે.


બ્રાઝિલમાં કોરોના સંક્રમણ યથાવત્ ચાલી રહ્યું છે, કેસોની સંખ્યામાં ભારતને પાછળ છોડીને તે બીજા નંબર પર પહોંચી ગયું છે. બ્રાઝિલમાં શુક્રવારના રોજ કોરોના સંક્રમણના કુલ 84,047 દર્દી પોઝિટિવ આવ્યા હતા. આ સાથે કુલ કોરોનાના દર્દીઓનો આંક 1 કરોડ 13 લાખ 68 હજાર 316 પર પહોંચી ગયો છે. એવામાં ભારતની વાત કરીએ તો અહીં કોરોના પોઝિટિવનો આંક 1 કરોડ 13 લાખ 33 હજાર 491 પર પહોંચી જતાં તે વિશ્વમાં ત્રીજા ક્રમાંક પર છે, જ્યારે કોરોના સંક્રમણમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંક પર અમેરિકા છે, ત્યાં 2 કરોડ 99 લાખ 90 હજાર 597 દર્દી પોઝિટિવ મળી આવ્યા છે.


વિશ્વમાં ગત 24 કલાકમાં 4.85 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાંથી 9 હજારથી વધુ દર્દીઓનાં મોત થયાં છે. અત્યારસુધી વિશ્વમાં 9 કરોડ 62 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને માત આપી દીધી છે, તો બીજી બાજુ, 26 લાખ 50 હજારથી વધારે લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. સમગ્ર વિશ્વમાં અત્યારે જોવા જઈએ તો 2 કરોડ 6 લાખથી વધારે દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. 


ડેનમાર્ક, નોર્વે અને આઈસલેન્ડ સહિત યુરોપના 6 દેશોમાં એસ્ટ્રાજેનેકા-ઓક્સફર્ડની કોરોનાની વેક્સિનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવાતાં કંપનીએ સફાઈ આપી હતી. તેમનું કહેવું હતું કે તેમની વેક્સિનમાં ગુણવત્તાને લઈને કોઈપણ પ્રકારની લાપરવાહી કરાઈ નથી અને તમામ નિયમોનું કડકાઈથી પાલન પણ કર્યું હતું. તેની વેક્સિનને કારણે હજુ સુધી લોહીના ગઠ્ઠા જામી જવા જેવી આડઅસરોના કોઈ ચોક્કસ પુરાવાઓ સામે આવ્યા નથી.