વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના ડાયરેક્ટર જનરલે કહ્યું હતું કે છેલ્લા આઠ સપ્તાહમાં કોવિડ-19ને કારણે 1.70 લાખ લોકોના મોત થયા છે. આ એ આંકડા છે જેના રિપોર્ટ સામે આવ્યા છે. આપણે જાણીએ છીએ કે વાસ્તવિક સંખ્યા આના કરતા ઘણી વધારે હશે.






WHOની ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન ઇમરજન્સી કમિટીએ કહ્યું હતું કે કોવિડ-19ને મનુષ્યો અને પ્રાણીઓમાંથી ખતમ કરવો લગભગ અશક્ય છે. શક્ય છે કે આપણે તેના ભયંકર પરિણામોને ઘટાડી શકીએ. લોકોના મૃત્યુને ઘટાડી શકીએ. તેનાથી લોકોને ચેપ લાગતા બચાવી શકાય છે. પરંતુ આ રોગચાળો ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી રહેશે.


કમિટિએ અવલોકન કર્યું હતું કે વિશ્વભરની હેલ્થ સિસ્ટમો કોવિડ-19 સાથે સંઘર્ષ કરી રહી છે. જેના કારણે અન્ય મોટી બીમારીઓ પર પણ ધ્યાન આપવું મુશ્કેલ બની રહ્યું છે. કોવિડ-19 મહામારીના કારણે સમગ્ર વિશ્વની આરોગ્ય વ્યવસ્થા કથળી ગઈ છે. તબીબી કર્મચારીઓની અછત અનુભવાઈ છે.


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના ડાયરેક્ટર જનરલે કહ્યું હતું કે મારો સંદેશ સ્પષ્ટ છે. કોરોનાવાયરસને નજરઅંદાજ કરવો એ એક મોટી ભૂલ હોઈ શકે છે. તે આપણને આશ્ચર્યચકિત કરવાનું ચાલુ રાખે છે. તે આપણને મારવાના પ્રયાસો ચાલુ રાખશે. એટલા માટે અમને વધુ તબીબી સાધનો અને તબીબી સ્ટાફની જરૂર છે. આ વાયરસ આપણા માણસો અને પ્રાણીઓમાં કાયમી થઇ ગયો છે. હવે ઘણી પેઢીઓ સુધી તેનો અંત આવવાનો નથી. તેથી જ સૌથી મોટી જરૂરિયાત યોગ્ય રસી અને વધુ રસીકરણની છે. જેથી લોકોને રોગપ્રતિકારક શક્તિ આપી શકાય.


ભારતમાં કોરોનાનો પહેલો કેસ 30 જાન્યુઆરી 2020ના રોજ નોંધાયો હતો. ત્યારથી ભારતમાં કોરોનાના લગભગ સાડા ચાર કરોડ દર્દીઓ નોંધાયા છે. સારી વાત એ છે કે લગભગ 99 ટકા લોકો કોરોનામાંથી સ્વસ્થ પણ થયા છે. ભારતમાં ત્રણ વર્ષમાં કોરોનાની ત્રણ લહેર આવી છે. ભારતમાં કોરોનાની પ્રથમ લહેરની પીક 17 સપ્ટેમ્બર 2020 ના રોજ આવી હતી. તે દિવસે લગભગ 98 હજાર કેસ નોંધાયા હતા. 10 ફેબ્રુઆરી 2021 થી પ્રથમ લહેર નબળી પડી હતી અને કેસ ઓછા થવા લાગ્યા. પ્રથમ લહેર લગભગ 377 દિવસ સુધી ચાલી હતી. આ દરમિયાન 1.08 કરોડ કેસ નોંધાયા અને 1.55 લાખ લોકોના મોત થયા હતા.