લંડનઃ બ્રિટનની વિપક્ષી લેબર પાર્ટીએ 12 ડિસેમ્બરના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી અગાઉ ગુરુવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. રસપ્રદ વાત એ છે કે પાર્ટીએ તેમાં 100 વર્ષ જ અગાઉ બનેલા અમૃતસરના જલિયાંવાલા બાગ નરસંહાર માટે ભારતની માફી માંગવા સહિત દેશના ભૂતકાળની તપાસ કરાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટેરેસા મેએ આ નરસંહારના 100 વર્ષ થવા પર આ ઘટના માટે અફસોસ વ્યક્ત કર્યો હતો પરંતુ તે માટે માફી માંગી નહોતી. લેબર પાર્ટીના નેતા જેરમી કોર્બિને 107 પેજના ચૂંટણી ઢંઢેરો રજૂ કર્યો હતો. પાર્ટીએ આ મામલા પર આગળ વધતા માફી માંગવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું છે કે લેબર પાર્ટી બ્રિટનના ભૂતકાળમાં બનેલી અન્યાયની ઘટનાની તપાસ માટે એક જજના નેતૃત્વમાં સમિતિ બનાવશે. તે સિવાય ઓપરેશન બ્લૂસ્ટારમા દેશની ભૂમિકાની સમીક્ષા પણ કરવામાં આવશે.

આ ચૂંટણી ઢંઢેરામાં કહેવામાં આવ્યું છે કે અમે જલિયાંવાલા બાગ નરસંહાર માટે ઔપચારિક માફી જાહેર કરીશું અને ઓપરેશન બ્લૂ સ્ટારના સંબંધમાં બ્રિટનની ભૂમિકાની સમીક્ષા કરીશુ. વર્ષ 2014માં બ્રિટન સરકારે સાર્વજનિક કરેલા દસ્તાવેજોથી ખુલાસો થયો હતો કે સુવર્ણ મંદિરમાં ભારતીય સૈન્યના ઘૂસતા અગાઉ ભારતીય સુરક્ષા દળોને બ્રિટિશ સૈન્યએ સલાહ આપી હતી. બ્રિટનના કેટલાક શીખ સમૂહો વર્ષોથી માંગ કરી રહ્યા છે કે બ્રિટિશ સૈન્યએ કઇ સલાહ આપી હતી.