Women Flogged In Afghanistan: અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાનની સત્તા સ્થાપાઈ છે ત્યારથી મહિલાઓ વિરૂદ્ધ એક પછી એક ઘટનાક્રમ સામે આવી રહ્યાં છે ભલભલાના રૂંવાડા ઉભા કરી દે તેવા હોય છે. હવે તાજેતરમાં કંઈક આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક મહિલા એકલી શોપિંગ કરવા જતા તેને જાહેરમાં ચાબુક વડે ઢોર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જે ભલભલાને વિચલીત કરી દે તેવો છે.
અફઘાનિસ્તાનના તખાર પ્રાંતમાંથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં માનવતાની તમામ હદો વટાવી દેવામાં આવી છે. બે મિનિટના આ વીડિયોમાં એક મહિલાને જાહેરમાં બેરહેમીથી મારવામાં આવી રહી છે. આ દર્દનાક વીડિયો શબનમ નસીમી નામની મહિલાએ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાની સાશન આવતા જ મહિલાઓ પર આકરા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ નિયમોનો ભંગ કરવા પર મહિલાઓને આકરી અને ભયાનક સજા આપવામાં આવે છે. તખાર પ્રાંતમાં પણ મહિલાને કથિત રીતે એક રૂઢિચુસ્ત તાલિબાન નિયમનો ભંગ કરવા બદલ માર મારવામાં આવ્યો હતો. તાલિબાની કાયદા પ્રમાણે મહિલાઓ પતિ કે ઘરના અન્ય કોઈ પુરૂષ વગર દુકાને જવાની મનાઈ ફરમાવે છે.
શબનમ નસીમી દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો વીડિયો
વીડિયો પોસ્ટ કરવાની સાથે શબનમ નસીમીએ ટ્વિટર પર લખ્યું હતું કે, તાલિબાનના શાસનમાં અફઘાનિસ્તાનની મહિલાઓ પૃથ્વી પર જ નરકનો અનુભવ કરી રહી છે. આપણે આંખ આડા કાન ન કરવા જોઈએ. બે દિવસ પહેલા જ ચોરી અને નૈતિક અપરાધ બદલ દોષિત ઠર્યા બાદ અફઘાન કોર્ટના આદેશથી ત્રણ મહિલાઓ અને 11 પુરુષોને કોરડા મારવામાં આવ્યા હતા.
તાલિબાન નેતાએ શું કહ્યુ?
તાલિબાનના વરિષ્ઠ નેતા હૈબતુલ્લાહ અખુન્દઝાદાએ ગયા મહિને ન્યાયાધીશોને જાહેર ફાંસી, પથ્થરમારો અને ચાબુક મારવા અને ચોરો માટે અંગવિચ્છેદન સહિત ઇસ્લામિક કાયદાના તમામ પાસાઓનો સંપૂર્ણ અમલ કરવાનો આદેશ આપ્યો હતો.
સોશિયલ મીડિયા આવા વીડિયોથી ખદબદે છે
વિવિધ ગુનાઓના આરોપીઓને જાહેરમાં કોરડા મારતા તાલિબાન લડવૈયાઓના વીડિયો અને તસવીરોથી સોશિયલ મીડિયા મહિનાઓથી ધમધમી રહ્યું છે. 2001ના અંતમાં સમાપ્ત થયેલા તેમના પ્રથમ શાસન દરમિયાન તાલિબાન નિયમિતપણે જાહેર ફાંસીની સજાઓ કરતા હતા જેમાં રાષ્ટ્રીય સ્ટેડિયમમાં કોરડા મારવા અને ફાંસીની સજા આપવામાં આવી હતી.