પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રવિવારે પંજાબ વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. વિધાનસભામાં શાસક પક્ષ અને વિપક્ષની મહિલા ધારાસભ્યો સામસામે આવી ગઈ હતી. વિધાનસભામાં હોબાળાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં મહિલા ધારાસભ્યો એકબીજા સાથે ધક્કા-મુક્કી અને લડાઈ કરતી જોઈ શકાય છે, સાથે એકબીજાના વાળ ખેંચતી જોવા મળે છે. જુઓ વિડીયો
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે પંજાબ પ્રાંતના ગવર્નર ચૌધરી સરવરને હટાવી દીધા હતા, જ્યારે નવા પ્રાંતના મુખ્યમંત્રીની ચૂંટણી સ્થગિત કરી દેવામાં આવી હતી.
હોબાળાને કારણે ચૂંટણી મોકૂફ રહી
નેશનલ એસેમ્બલીના પગલે ચાલીને પંજાબ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર સરદાર દોસ્ત મુહમ્મદ મજારીએ ઈમરાન ખાન સરકારને તોડવા માટે "આંતરરાષ્ટ્રીય ષડયંત્ર"નો ઉલ્લેખ કરીને મુખ્યપ્રધાનની ચૂંટણી યોજવાનો ઇનકાર કર્યો અને સત્રને 6 એપ્રિલ સુધી સ્થગિત કરી દીધું. બાદમાં સ્પીકરના કાર્યાલયે કહ્યું કે ગૃહમાં હોબાળાને કારણે મુખ્યપ્રધાનની ચૂંટણી માટે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.
ઇમરાન ખાને ગુલઝાર એહમદને કાર્યકારી વડાપ્રધાન તરીકે નોમિનેટ કર્યા
પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ઈમરાન ખાને સોમવારે પાકિસ્તાનના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગુલઝાર અહેમદને ચૂંટણીઓ ન થાય ત્યાં સુધી દેશના કાર્યકારી વડાપ્રધાન તરીકે નોમિનેટ કર્યા છે પાકિસ્તાની સમાચાર એજન્સી ડૉનના અહેવાલ મુજબ આ સમાચાર મળી રહ્યાં છે. પાકિસ્તાની સમાચાર એજન્સી ડૉન અનુસાર CJP ગુલઝાર અહેમદ દેશના 27મા મુખ્ય ન્યાયાધીશ હતા જેમની નિમણૂક ડિસેમ્બર 2019માં કરવામાં આવી હતી. અહેમદ ફેબ્રુઆરી 2022માં નિવૃત્ત થયા હતા.
પાકિસ્તાનના પૂર્વ મંત્રી અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના નેતા ફવાદ ચૌધરીએ આ જાહેરાત કરી હતી. એક ટ્વીટમાં ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે પીટીઆઈની કોર કમિટી સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચૌધરીએ ટ્વીટ કર્યું કે, "રાષ્ટ્રપતિના પત્રના જવાબમાં પીટીઆઈ કોર કમિટીના પરામર્શ અને મંજૂરી પછી પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ગુલઝાર અહેમદને કાર્યકારી વડાપ્રધાન પદ માટે નોમિનેટ કર્યા છે."