બીજિંગઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેન (ડબલ્યૂએચઓ)એ ચીનમાં ફેલાયેલ જીવલેણ કોરોના વાયરસને વૈશ્વિક ઇમરજન્સી જાહેર કરી છે. WHOએ આ નિર્ણય ત્યારે ઉઠાવ્યો જ્યારે આ વાયરસથી ચીનમાં અત્યાર સુધી 212 લોકના મોત થયા છે. અત્યાર સુધીમાં 6000ને આ વાયરસની અસર થઈ હોવાનું કહેવાય છે. WHOની જાહેરાત બાદ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ચીનની પાસે એ ક્ષમતા અને વિશ્વાસ છે જેથી અમે આ વાયરસ વિરૂદ્ધ લડાઈ જીતી શકીએ છીએ. આ જાહેરાત બાદ હવે કોરોના વાયરસ સામે લડવા માટે વધારે રિસોર્સ અને રૂપિયાની ઉપલબ્ધતા સુનિશ્ચિત થઈ શકશે.


નવી જાણકારી અનુસાર ભારતમાં પણ આ કોરોના વાયરસનો એક કેસ સામે આવ્યો છે. દક્ષિણના રાજ્ય કેરળમાં ચીનના વુહાન પ્રાંતથી પરત ફરેલ એક મહિલાને કોરોના વાયરસ પોઝિટિવ આવ્યું છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ આ મામલે નિવેદન આપ્યું છે. તેમના અનુસાર આ વાયરસથી પીડિત મહિલાને તૃસ્સૂર હોસ્પિટલમાં તૃસ્સૂર મેડિકલ કોલેજ શિફ્ટ કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ જણાવ્યું કે, રાજ્યમાં 15 વ્યક્તિને ડોક્ટરોની દેખરેખ હેઠલ રાખવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ 15 વ્યક્તિઓમાંથી 9ને સ્પેશ્યલ વોર્ડમાં રાખવામાં આવ્યા છે.

17 દેશમાં ફાલેયો વાયરસ

આ જીવલેણ વાયરસ અત્યાર સુધી 17 દેશમાં ફેલાઈ ગયો છે. ભારત આ લિસ્ટમાં નવું છે. ત્યારે અનેક વૈશ્વિક એરલાઈન્સોએ ચીનના જુદા  જુદા શહેરમાં પોતાની ઉડાનો રદ્દ કરી છે. ચીનમાં આ વાયરસથી છ વિદેશીને પણ ચેપ લાગ્યો છે. જર્મનીમાં ચાર કેસ નોંધાયા છે, તેવી જ રીતે ફ્રાન્સ બાદ આ બીજું યૂપોયીન દેશ છે જ્યાં પોઝિટિવ કેસ જોવા મળ્યા છે.

બીજી બાજુ પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના પ્રમુખ રાષ્ટ્રપતિ શી જિનપિંગે સેનાને પોતાના ઉદ્દેશ્યને દૃઢતાથી મનમાં રાખવા અને કોરોના વાયરસ વિરૂદ્ધ જંગ  જીતવામાં યોગદાન આપવાની મુશ્કેલ જવાબદારી ઉઠાવવા કહ્યું છે. ત્યાર બાદ પીએલએએ હુબઈ પ્રાંતની રાજધાની વુહાનમાં પોતાના હજારો મેડિકલ કર્મચારીઓને આ વાયરસથી સંક્રમિત લોકોને બચાવવાના કાર્યમાં લગાવ્યા છે જેથી ડોક્ટરોની મદદ કરી શકાય. આ શહેર આ વાયરસને સૌથી વધારે પ્રભાવિત છે.