WHO on Monkeypox: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ મંકીપોક્સને લઈને ઈમરજન્સી મીટિંગ બોલાવી છે. આ બેઠકમાં મંકીપોક્સ રોગ આંતરરાષ્ટ્રીય આરોગ્ય કટોકટી બની ગયો છે કે કેમ તેનું મૂલ્યાંકન કરશે. DG, WHOએ આ અંગે વાત કરતાં કહ્યું કે, "મંકીપોક્સ ફાટી નીકળવો અસામાન્ય અને ચિંતાજનક છે. આ કારણોસર, મેં આવતા અઠવાડિયે ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન્સ હેઠળ કટોકટી સમિતિની મીટિંગ બોલાવવાનું નક્કી કર્યું છે અને આ મીટિંગમાં મંકીપોક્સના કેસ અંગે મૂલ્યાંકન કરવામાં આવશે કે, શું આ રોગનો ફેલાવો આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર ચિંતા છે કે કેમ?
તમને જણાવી દઈએ કે મંકીપોક્સના કેસ હવે આફ્રિકાથી બહારના દેશોમાં પણ જોવા મળી રહ્યા છે. સોમવારે, યુકેના આરોગ્ય અધિકારીઓેને દેશમાં મંકીપોક્સના અન્ય 104 કેસ મળ્યા હતા. બ્રિટનની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીએ સોમવારે જણાવ્યું હતું કે, દેશભરમાં હવે મંકીપોક્સના 470 કેસ છે, જેમાંથી મોટાભાગના સમલેંગિક અથવા 'બાયસેક્સ્યુઅલ' પુરુષોમાં છે.
બ્રિટન પછી આ દેશોમાં સૌથી વધુ કેસઃ
નોંધપાત્ર રીતે, ગયા અઠવાડિયે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ જણાવ્યું હતું કે, 28 દેશોમાંથી મંકીપોક્સના 1,285 કેસ નોંધાયા છે. મહત્વનું છે કે આ 28 દેશોમાં મંકીપોક્સને સ્થાનિક રોગ નથી માનવામાં આવતો. આફ્રિકા બહાર કોઈ મૃત્યુ નોંધાયા નથી. બ્રિટન પછી સ્પેન, જર્મની અને કેનેડામાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
મંકીપોક્સ શું છે?
આ રોગ શીતળા સાથે સંબંધિત છે, જે 1980 માં સમાપ્ત થયો હતો પણ તે પહેલાં દર વર્ષે વિશ્વભરમાં લાખો લોકો આ રોગના કારણે મરતાં હતાં. જો કે, મંકીપોક્સ જે નજીકના સંપર્ક દ્વારા ફેલાય છે, તે ઘણો ઓછો ગંભીર હોય છે, જેમાં સામાન્ય રીતે ગંભીર તાવ અને અછબડા જેવી ફોલ્લીઓ હોય છે જે થોડા અઠવાડિયામાં જ સાફ થઈ જાય છે. શીતળા માટે વિકસિત રસીઓ મંકીપોક્સને રોકવામાં લગભગ 85 ટકા અસરકારક હોવાનું જણાયું છે. મંકીપોક્સ માટે મૃત્યુદર સામાન્ય રીતે ઘણો ઓછો હોય છે.