ડબલ્યુએચઓએ કહ્યું હતુ કે અત્યારે તો એશિયાની સ્થિતિ યુરોપ-અમેરિકા કરતાં સારી છે. પરંતુ એશિયામાં ફેલાવો વધવાની શક્યતા રહેલી છે. આગામી દિવસોમાં જો કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થશે તો એશિયાની સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. તેથી એશિયાના દેશોને શક્ય એટલાં ઝડપથી પગલાં લેવા ઑર્ગેનાઈઝેશનના અધિકારીએ ભલામણ કરી હતી. અધિકારીએ એમ પણ ઉમેર્યું હતું કે આ લડાઈ લાંબી ચાલવાની શક્યતા છે.
અમેરિકામાં કોરોનાના કેસ પોણા બે લાખે પહોંચ્યા છે અને સૌથી ખરાબ સ્થિત ન્યૂયોર્ક, ન્યૂજર્સીની છે. ન્યૂયોર્કની સ્થિતિ આવી જ રહેશે તો આગામી દિવસોમાં હોસ્પિટલોમાં જગ્યા નહીં મળે. ન્યૂયોર્કમાં 9 હજારથી વધુ કેસ નોંધાયા છે અને 1500થી વધારે મોત થયા છે. ન્યૂયોર્કના ગવર્નરના ભાઈનો પણ કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
હાલ ન્યૂયોર્કની બધી હોસ્પિટલો નથી ભરાઈ પરંતુ દર્દી સતત વધતા રહેશે તો હોસ્પિટલો પણ પથારીની અછત અનુભવશે. એટલુ જ નહીં એ સમયે આરોગ્ય સુવિધાઓ, વિવિધ મેડિકલ સાધન-સામગ્રીની પણ અછત સર્જાશે. અત્યારે જ જગતમાં કોરોના સામે લડવા વેન્ટિલેટર, ટેસ્ટિંગ કિટ, માસ્ક વગેરેની અછત વર્તાઈ રહી છે. કોરોના સામે લડવા ન્યૂયોર્કના કાંઠે અમેરિકન નૌકાદળનું 1000 બેડ ધરાવતું મેડિકલ જહાજ તૈયાર રખાયું છે.