અમ્માનઃજોર્ડનના જાણીતા લેખક નાહિદ હટ્ટારની રવિવારે દેશની રાજધાની અમ્માનમાં સુપ્રીમ કોર્ટ સામે જ હત્યા કરી દેવામાં આવી હતી. નાહિદ પોતાની સામેના કેસની સુનાવણી માટે કોર્ટમાં હાજરી આપવા આવ્યા હતા. નાહિદને ત્રણ ગોળી મારવામાં આવી જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. નાહિદ સામે ફેસબૂક એકાઉન્ટમાં ઈસ્લામ વિરોધી કાર્ટૂન પોસ્ટ કરવાનો આરોપ હતો.

જોર્ડનની ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે નાહિદે થોડા સમય પહેલા જ પોતાના ફેસબૂક એકાઉન્ટ પર કાર્ટૂન પોસ્ટ કર્યું હતું. આ પોસ્ટ બાદ ISIS અને કટ્ટરપંથી લોકો નારાજ હતા તથા નાહિદ વિરોધી અનેક પ્રદર્શન પણ થયા હતા. વિરોધને કારણે જોર્ડનના પીએમ હાની મુલ્ફીએ નાહિદ સામે તપાસના આદેશ આપ્યા હતા. આ કેસની સુનાવણી કરનારા તપાસ આયોગ સામે હાજર થવા માટે નાહિદ સુપ્રીમ કોર્ટ આવ્યા હતા. જ્યાં તેની હત્યા કરી દેવામાં આવી હતી.

સ્થાનિક મીડિયાની રિપોર્ટ પ્રમાણે હુમલાખોર ઘરથી જ નાહિદનો પીછો કરી રહ્યા હતા. હુમલાખોરોએ ખૂબ જ નજીકથી નાહિદને ત્રણ ગોળી મારી. જો કે હુમલાખોરની ઘટનાસ્થળે હાજર પોલીસ જવાને ધરપકડ કરી હતી. હુમલાખોરની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ તેની ઉંમર 50 વર્ષની આસપાસ હતી અને તેણે અરબી કપડા પહેર્યા હતા.